ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો માટે અનામતની માગણી કરીને વર્ષ 2015માં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે થયેલા તમામ કેસ પરત ખેંચવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાંયધરી આપી હોવાનું માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 8 ડિસેમ્બરના રોજ દુબઈના બે દિવસના પ્રવાસે જવાના છે. આ પછી આંદોલનકારીઓ કેસોની સમીક્ષા કરીને નિર્ણય લેવાશે.
સોમવાર, 6 ડિસેમ્બરની સાંજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ, પાટીદાર અગ્રણી- આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા, જયેશ પટેલ, ગીતાબેન પટેલ સહિતના સાથે બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતા દિનેશ બાંભણિયા અને જયેશ પટેલના જણાવ્યા અનુસાર પોણા બે કલાક ચાલેલી બેઠકમાં મુખ્યપ્રધાનનું વલણ સકારાત્મક રહ્યું હતું અને તેમણે તમામ કેસ પરત ખેંચવાની બાંયધરી આપી છે.
પાટીદાર આંદોલન દરમિયાન કુલ 481 જેટલા કેસ થયા હતા, જેમાંથી 228 પરત ખેંચાયા હતા. બાકીને 146 કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી. આ અંગેની વિગતો પણ નરેશ પટેલ દ્વારા રજૂ કરાઈ હતી. તે ઉપરાંત જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા છે તેમાંથી વારસદારોને અર્ધસરકારી કચેરીમાં નોકરી મળે અને ટીચરગેસના કારણે ઈજાગ્રસ્ત થયા છે તેમને વળતર મળે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત હાર્દિક પટેલ સહિતના ઉપર રાજદ્રોહના કેસ કરાયા છે તે સહેલાઈથી પરત ખેંચાય તેવા નથી તે અંગે પણ અલગથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર અગ્રણીઓએ રાજસ્થાનમાં આવા કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો રજૂ કરવાાં આવી હતી. તેમાં પણ હકારાત્મક વલણ દાખવ્યું હોવાનો પાટીદાર અગ્રણીઓ દાવો કર્યો હતો.