ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ અને ટેક્નોલોજી કંપનીઓને તેમજ ટોચના ટેલેન્ટને આકર્ષવા માટે ગુજરાત સરકાર દારુબંધીના કાયદામાં છૂટછાટ આપવા વિચાર કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન કાર્યાલયમાં આ દરખાસ્ત વિચારણા હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 10 જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી મહાનુભાવો ભાગ લેવા આવવાના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં ‘ઈવનિંગ સોશિયલ લાઈફ’ ઓફર કરવા માટે આ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત તેમજ વિદેશોમાં ફાઈનાન્સ કે પછી ટેક્નોલોજી હબ્સમાં પ્રોફેશનલ્સમાં પબ કલ્ચર સામાન્ય વાત છે. ગિફ્ટ સિટીમાં દારુબંધીમાં છૂટછાટ આપવાની દરખાસ્ત એવા સમયે આવી છે કે જ્યારે કેન્દ્ર સરકાર પણ તેને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર બનાવવા પ્રયાસરત છે. દેશનું પહેલું ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર આવેલું છે. 27 સપ્ટેમ્બર 2020ના રોજ ગિફ્ટ સિટીના મેનેજમેન્ટ દ્વારા નશાબંધી અને આબકારી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટને પત્ર લખીને ગિફ્ટ સિટી સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં દારુબંધીમાં છૂટછાટ માગી હતી.
હાલના કાયદા અનુસાર, ગુજરાતમાં બહારથી આવનારા પ્રવાસીઓને લીકર પરમિટ ઈશ્યૂ કરવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સેઝમાં પણ હાલના નોટિફિકેશન અનુસાર ત્યાં રહેતા રેસિડેન્ટ્સને લીકર પરમિટ મળે છે.
રાજ્યમાં જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી મહાનુભાવો ભાગ લેવા આવવાના છે. 20 સપ્ટેમ્બર 2021ના રોજ ચીફ સેક્રેટરીએ શહેરી વિકાસ વિભાગના એ. ચીફ સેક્રેટરીને એક પત્ર લખીને ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટની વિગતો અંગે રોડમેપ આપ્યો હતો. આ પત્રમાં રસ્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, રિવરફ્રંટને ગાંધીનગર સુધી લંબાવવા ઉપરાંત ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ ઉભી કરવાની વિગતો સામેલ હતી.
ગુજરાતમાં દારુબંધીમાં છૂટછાટ આપવાની અગાઉ પણ માગ થયેલી છે. જોકે, તેનો ગાંધીવાદી સંસ્થાઓ તેમજ મહિલાઓના હક્ક માટે કામ કરતી સંસ્થા તેના સખ્ત વિરોધમાં છે. ગુજરાત 1960માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અહીં દારુબંધી અમલમાં છે, પરંતુ તેમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાના સખ્ત વિરોધને કારણે સરકાર માટે પણ આ અંગે કોઈ નિર્ણય લેવો આસાન નથી. જોકે, હવે ગુજરાતમાં દારુબંધીને કારણે બહારનું ટેલેન્ટ આવવાનું ટાળતું હોવા દાવા સાથે દારુબંધીમાં છૂટ આપવાની માગ વધી રહી છે.
આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે દારુબંધીમાં છૂટ આપવાની માગ કરતી ડઝનબંધ પિટિશન પર સુનાવણી પણ શરુ કરી હતી. કોર્ટે આ પિટિશન ટકી શકે તેમ હોવાનું જણાવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે તેની સામે સખ્ત વિરોધ કર્યો હતો. 2019માં દાખલ થયેલી આ પિટિશનમાં અરજદારોની માગ હતી કે ઘરની ચાર દીવાલો વચ્ચે દારુ પીવાની કોઈને પણ છૂટ હોવી જોઈએ. જોકે, સરકાર તેની પણ પરવાનગી નથી આપતી, જે એક રીતે પ્રાઈવસીના હક્કનો ભંગ છે.