રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન વાર્ષિક શિખર મંત્રણા માટે છ ડિસેમ્બરે એક દિવસની ભારતની યાત્રાએ આવ્યા હતા. દિલ્હી એરપોર્ટથી પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતુ. બંને નેતાઓ વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. બંને નેતાઓ વેપાર અને અફઘાનિસ્તાની કથળતી જતી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધો વણસી રહ્યાં છે ત્યારે પુતિન ભારતની યાત્રાએ આવ્યો હોવાનું તેનું વિશેષ મહત્ત્વ છે.
અગાઉ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેવ લાવરોવે જણાવ્યું હતું કે ભારતને એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ્સનો સપ્લાય આપવાની સમજૂતીનો અમલ થઈ રહ્યો છે. આ અગાઉ બંને દેશોના પ્રધાનો વચ્ચે 2+2 બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં બે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પુતિનના આ ટૂંકા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ટ્રેડ, એનર્જી, કલ્ચર, ડિફેન્સ, સ્પેસ અને ટેક્નોલોજી ક્ષેત્રે લગભગ 10 સમજૂતીઓ થવાની શક્યતા છે. ડિફેન્સ સેકટર પર દુનિયાની નજર વધુ રહેશે.
મોદી સાથેની વાતચીતમાં પુતિને જણાવ્યું હતું કે તે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માગે છે. અમે ભારતને ગ્રેટ પાવર, એક મિત્ર દેશ અને સમયની કસોટીમાં ખરો ઉતરેલો એક મિત્ર માનીએ છીએ. બંને દેશો વચ્ચે સંબંધો વધી રહ્યાં છે અને હું ભવિષ્યની તરફ નજર કરું છું.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખરેખર અજોડ અને તથા બે દેશો વચ્ચેની મિત્રતાનું વિશ્વનીય મોડલ છે.
પુતિન અને મોદીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત અમારા સંરક્ષણ સહયોગ વધારે મજબૂત થઈ રહ્યો છે. સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રમાં બન્ને દેશ મહત્વના સહયોગી છે. કોરોના સામે પણ અમારો સહયોગ રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં પણ અમારા સંબંધોને આગળ વધારવા માટે અમે મોટા વિઝન પર કામ કરી રહ્યા છીએ. અમે વર્ષ 2025 સુધીમાં 30 અબજ ડોલરના વ્યાપાર અને 50 અબજ ડોલરના રોકાણનો લક્ષ્યાંક ધરાવી છીએ. પુતિને કહ્યું કે મને ભારતનો પ્રવાસ કરીને ઘણી ખુશી થઈ રહી છે. ગયા વર્ષે બન્ને દેશ વચ્ચે વેપારમાં 17 ટકાનો ઘટાડો થયો હતો, પણ આ વર્ષે પ્રથમ 9 મહિનામાં વેપારમાં 38%ની વૃદ્ધિ થઈ છે.
રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુટિન 6 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે આવે તે પહેલા જ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને પ્રધાનો ભારતના વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હવે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુ વચ્ચે 6 ડિસેમ્બરે નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી મુજબ ઉત્તરપ્રદેશના અમેઠીમાં એક સંયુક્ત સાહસ હેઠળ આશરે છ લાખ AK-203 રાઇફલનું ઉત્પાદન થશે. આ ડીલ આશરે રૂ.5,000 કરોડની છે. બંને દેશો વચ્ચે મિલિટરી ટેકનોલોજી સહકારને આગામી દાયકા સુધી ચાલુ રાખવાની પણ સમજૂતી કરી હતી. આમ બંને દેશો વચ્ચે 2031 સુધી આ સહયોગ રહેશે.