ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ સોમવારે પાંચમાં દિવસે ડ્રોમાં પરિણમી હતી. આ મેચમાં ભારત જીતની નજીક આવી ગયું હતું, પરંતુ ન્યૂઝીલેન્ડના પૂંછડિયા ખેલાડીઓએ હારથી ન્યૂઝિલેન્ડને બચાવી લીધું હતું. રવિન્દ્રન અશ્વિનને 35 રનમાં 3 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 40 રનમાં 4 વિકેટ લઈને ભારતને વિજયની આરે લાવી લીધું હતું અને ભારતને વિજય માટે માત્ર એક વિકેટની જરૂર હતી. જોકે ન્યૂઝિલેન્ડના રચીન રવિન્દ્ર 91 બોલ રમી ગયો હતો અને તેને 18 રન બનાવ્યા હતા. છેલ્લા ખેલાડી અઝાઝ પટેલ 23 બોલ રમ્યો હતો અને બે રન કર્યાં હતા.
ન્યૂઝિલેન્ડની ટીમે પાંચમાં દિવસે સ્ટમ્પ્સ સુધી 9 વિકેટના નુકસાને 165 રન કર્યા છે અને મેચ ડ્રો થઈ હતી.
ભારતે પ્રથમ ઈનિંગ્સમાં તમામ વિકેટ ગુમાવીને 345 રન બનાવ્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સ 296 રનો પર અટકી ગઈ હતી. ભારતે બીજી ઇનિંગમાં 234 રન સાથે દાવ ડિક્લેર કર્યો હતો અને ન્યૂઝિલેન્ડની જીત માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ સોમવારે પાંચમાં દિવસે 9 વિકેટ ગુમાવીને 165 રન કર્યા હતા અને ભારત એક વિકેટને કારણે વિજયથી દૂર રહી ગયું હતું.
ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં સદી લગાવ્યા બાદ શ્રેયસ ઐય્યરે બીજી ઈનિંગ્સમાં ખુબ જ દબાણ વચ્ચે હાફ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે ગળામાં દુઃખાવો હોવા છતાં પણ બેટિંગ કરવા માટે ઉતરેલાં રિદ્ધિમાન સાહાએ અણનમ અડધી સદી લગાવી હતી.
બીજી ઇનિંગમાં ભારત તરફથી મયંક અગ્રવાલે 17 રન, સુભમન ગીલે 1 રન, ચેતેશ્વર પૂજારાએ 22 રન અને અજિન્કય રહાણેએ 4 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે 65 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા ઝીરો રન આઉટ થયો હતો. રવિન્દ્રન અશ્વિનને 32 રન અને વૃદ્ધિમાન સહાએ 61 રન કર્યા હતા. અક્ષ પટેલ 28 રનને નોટ રહ્યો હતો.
પ્રથમ દાવમાં ભારતના 345 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાયો હતો. ભારતીય સ્પિનર્સના તરખાટને પગલે ભારતની ટીમને આ મહત્ત્વની સરસાઈ મળી હતી. અક્ષર પટેલે ઘાતક બોલિંગ કરીને પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિને ત્રણ, જાડેજાએ બે અને ઉમેશ યાદવે એક વિકેટ લીધી હતી.
કાનપુર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કરનાર શ્રેયસ ઐયરે ઈતિહાસ સર્જયો હતો. ન્યૂઝીલેન્ડ સામે પહેલી ઈનિંગમાં સદી ફટાકનાર ઐયરે બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. પહેલી જ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર તે પહેલો ભારતીય ક્રિકેટર અને દુનિયાનો 10મો ભારતીય ક્રિકેટર બન્યો છે. શ્રેયસે પહેલી ઈનિંગમાં 105 રન અને બીજી ઈનિંગમાં 65 રન ફટકાર્યા હતા.શ્રેયસની અડધી સદીના પગલે ભારત બીજી ઈનિંગમાં લીડ સાથે 200 રનને પાર કરી શક્યુ હતુ. 26 વર્ષીય શ્રેયસે બીજી ઈનિંગમાં અશ્વીન સાથે 52 રન અને સહા સાથે 64 રનની પાર્ટનરશીપ કરી હતી.