ભારતના હીરાના વેપારી અને ભાગેડુ મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને ડર છે કે, તેનું ફરી અપહરણ કરવામાં આવી શકે છે. ચોક્સીએ કહ્યું હતું કે, ‘મારું ફરીથી અપહરણ કરી ગયાના લઈ જવામાં આવે તેવી શક્યતા છે, જ્યાં ભરતીયોની વધારે પ્રમાણમાં ઉપસ્થિતિ છે. ગયાનાથી ગેરકાયદેસર રીતે બીજા દેશમાં લઇ જવામાં આવે તેવી શક્યતા છે.
62 વર્ષનો મહુલ ચોક્સી પંજાબ નેશનલ બેન્કમાં રૂા.13,500 કરોડના કૌભાંડમાં ભારતમાં વોન્ટેડ જાહેર થયેલ છે. ભારત સરકાર મહુલ ચોક્સીને ભારતમાં લાવવાના પ્રયાસ કરી રહી છે. ચોક્સી 23 મે 2021ના રોજ એન્ટિગુઆથી લાપત્તા બન્યો હતો અને પછી ડોમિનિકામાં જોવા મળ્યો હતો.
ચોક્સીના કહેવા પ્રમાણે ખરાબ તબિયતના કારણે હાલ તે એન્ટીગુઆ ખાતે પોતાના ઘરે છે. જોકે તેને એવું લાગી રહ્યું છે કે ભારત લઈ જવા માટે ફરીથી એક વખત તેનું અપહરણ થઈ શકે છે. ચોક્સીના કહેવા પ્રમાણે તે કેટલાક સમયથી ડરેલો છે અને ખરાબ તબિયતના કારણે ઘરમાંથી બહાર પણ નથી નીકળી શકતો.
ચોક્સીના કહેવા પ્રમાણે તેના વકીલ એન્ટીગુઆ અને ડોમિનિકા એમ બંને કેસ લડી રહ્યા છે અને તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે આ કાંડમાંથી નિર્દોષ છૂટશે. વધુમાં જણાવ્યું કે તે એન્ટીગુઆનો નાગરિક છે અને તેની ઈચ્છા વિરુદ્ધ તેનું અપહરણ કરીને તેને અલગ દેશમાં લઈ જવામાં આવ્યો હતો.ચોક્સીના જણાવ્યા પ્રમાણે કેટલીક સરકાર તેની ઉપસ્થિતિ સુરક્ષિત કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જો કે તેને રાષ્ટ્રમંડળ દેશોના કાયદા વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાતરી છે કે અંતમાં તેના સાથે ન્યાય થશે.