ભારત કોરોનાના નવા વેરિયન્ટને કારણે 15 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરવાની યોજનાની ફેરવિચારણા થઈ શકે છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના મુદ્દે રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક ઇમર્જન્સી બેઠક યોજી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે ઓમિક્રોન વેરિયન્ટને પગલે દુનિયાભરમાં ઊભી થઈ રહેલી સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેના આધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેઠક બોલાવીને આ નિર્ણયની સમીક્ષા કરવાની તાકીદ કરી હતી. બીજી તરફ દિલ્હી એઇમ્સના ડો. રણદીપ ગુલેરિયાએ ઓમિક્રોનને અત્યંત ખતરનાક વેરિયન્ટ ગણાવ્યો હતો, જે વેક્સિનને પણ અસરહીન બનાવી શકે છે.
ગૃહ સચિવના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ફરી વખત ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ કરવાની તારીખની સમીક્ષા કરવામાં આવશે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિ કેવી રહે છે તેના આધારે ફ્લાઇટનો નિર્ણય કરવામાં આવશે. સરકાર ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પર આવનારા મુસાફરોના ટેસ્ટિંગ અને સર્વેલન્સ અંગે હાલની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)ની પણ સમીક્ષા કરશે. ખાસ કરીને એ દેશોના પેસેન્જર માટે અલગ એસઓપી જારી થશે કે જેઓ જોખમ હેઠળની કેટેગરીમાં આવે છે. આ ઉપરાંત દેશમાં પણ મહામારીની ઊભરતી સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવશે. એરપોર્ટ અને હેલ્થ ઓફિસર્સને સખતાઈ સાથે ટેસ્ટિંગ પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.