કોરોનાના નવા વેરિયન્ટ અને કેટલાંક દેશોમાં તેના કેસોને પગલે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ દક્ષિણપૂર્વ એશિયાના દેશોને સર્વેલન્સમાં વધારો કરવાની, જાહેર આરોગ્યને મજબૂત કરવાની અને કોરોના નિયંત્રણોના પગલાં લેવાની તથા વેક્સિનેશન કવરેજમાં વધારો કરવાની તાકીદ કરી હતી.
આ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે ઉત્સવો અને ઉજવણીમાં સાવચેતીના તમામ પગલાં હોવા જોઇએ તથા મોટા મેળવડા ટાળવા જોઇએ. WHO, સાઉથ ઇસ્ટ એશિયા રિજનના રિજનલ ડિરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે કોઇ પણ ભોગે સાવધ અભિગન ન છોડશો. આ રિજનના દેશોએ સર્વેલન્સ અને સિકન્સિંગમાં વધારો કરવો પડશે. લોકો માટે સૌથી મહત્ત્વની બાબત આ વાઇરસથી દૂર રહેવાની છે. માસ્ક પહેરો, સલામત અંતર રાખો, ઓછું વેન્ટિલેશન ધરાવતા સ્થળો અથવા ભીડભાળવાળા વિસ્તારોમાં જવાનું ટાળો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા વેરિયન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે, કારણ કે તેમાં મ્યુટેશનની સંખ્યા ઊંચી છે. કેટલાંક પ્રારંભિક સંકેત દર્શાવે છે કે આ વેરિયન્ટ બીજી વેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આનો અર્થ એવો થાય છે કે કોરોનાથી સંક્રમિત થયેલા હોય અને તેમાં રિકવર થયા હોય તેવા લોકો પણ સંક્રમિત થઈ શકે છે. આ વેરિયન્ટ સામે વેક્સિન ઓછી અસરકારક છે કે નહીં તે નક્કી કરતાં થોડા સપ્તાહ લાગશે.