દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયાના આશરે 18 દેશોએ આફ્રિકામાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યા છે. આ નવા વેરિન્ટના ફેલાવાને રોકવા માટે વિશ્વના દેશોએ વિવિધ પગલાં લેવાનું ચાલુ કર્યું છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઇરાન, જાપાન, થાઇલેન્ડ અને અમેરિકા સહિતના સંખ્યાબંધ દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશો પર ટ્રાવેલ નિયંત્રણો લાદ્યા છે. યુરોપિયન યુનિયન અને યુકે પણ તેમાં સામેલ થયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાની ચેતવણી આપી હતી. ફ્લાઇટ બંધ કરવામાં આવી હોવા છતાં એવા વધુને વધુ પુરાવા મળી રહ્યાં છે કે આ વેરિયન્ટ ફેલાઈ ચુક્યો છે. બેલ્જિયમ, ઇઝરાયેલ અને હોંગકોંગમાં ટ્રાવેલર્સમાં આફ્રિકન વેરિયન્ટના કેસો નોંધાયા છે. નેધરલેન્ડમાં આફ્રિકા આફ્રિકાની બે ફ્લાઇટના 61 મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સરકાર નવા વેરિયન્ટ છે કે નહીં તેની તપાસ કરી રહી છે.
આફ્રિકામાં માત્ર છ ટકા લોકો કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા છે અને લાખ્ખો લોકોએ સિંગલ ડોઝ પણ લીધો નથી. તેથી વાઇરસ ઝડપથી ફેલાઈ શકે છે.
આ નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે તેની જાણકારી મળતાં થોડા સપ્તાહ લાગશે, પરંતુ વિશ્વભરના દેશો સેફ્ટી ફર્સ્ટ અભિગમ અપનાવી રહ્યા છે, કારણ કે અગાઉ સરહદ પરના હળવા નિયંત્રણોને કારણે મહામારી ઝડપથી ફેલાઈ હતી.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને શુક્રવારે જણાવ્યું હતું કે નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો હોય તેમ લાગે છે. નવા ટ્રાવેલ નિયંત્રણોની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મે નિર્ણય કર્યો છે કે આપણે સાવધ રહીશું. જર્મનીના અધિકારીએ પણ શનિવારે જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ આવી ચુક્યો હોય તેવી ઊંચી સંભાવના છે.