10 જાન્યુઆરી 2022થી ગુજરાતના ગાંધીનગર ખાતે ચાલુ થઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 25 નવેમ્બરે દેશની રાજધાની નવી દિલ્હીમાં રોડ-શો કર્યો હતો. તેમણે ગુજરાતની 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં મૂડીરોકાણ કરવા માટે દેશભરના ઉદ્યોગજૂથોને આમંત્રણ આપ્યું હતું. અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે તેમણે વન-ટુ-વન બેઠક કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જાન્યુઆરી 2022ના રોજ મહાત્મા મંદિરમાં આ સમિટનો પ્રારંભ કરાવશે.
રોડ-શો દરમ્યાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં 2003થી દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ હવે ગ્લોબલ નોલેજ શેરીંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઇ છે. આ સમિટમાં વિવિધ દેશોના મહાનુભાવો, બિઝનેસ ડેલિગેશન, રાજ્યોના વડા અને ઉદ્યોગજૂથો તેમજ ભારતના સરકારના પ્રધાનો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.
ઓદ્યોગિક જૂથોના વડાને સંબોધન કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ વખતે સમિટની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. દેશમાં સૌથી વધુ એફડીઆઇ એટલે કે 21.9 યુએસ બિલિયન ડોલર જેટલું રોકાણ 2021માં ગુજરાતે મેળવ્યું છે. ભારતના ભાવિ વિકાસ ગ્રોથમાં ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ મોટું યોગદાન આપશે.
આ રોડ-શોમાં મારૂતિ સુઝુકીના એમડી અને સીઇઓ કિંચી આયુકાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું અગ્રણી ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી અને મેન્યુફેક્ચરીંગ ફ્રેન્ડલી રાજ્ય છે. ભારતને નેટ કાર્બન ઝીરો કન્ટ્રી બનાવવામાં ગુજરાત મોખરાનું સ્થાન લઇ શકે છે. જેસીબીના એમડી અને સીઇઓ દિપક શેટ્ટીએ જણાવ્યું કે, કોવિડ મહામારીની કપરી પરિસ્થિતિ હોવા છતાં સરકારના સહકારના કારણે કંપની પોતાનું છઠ્ઠું ઉત્પાદન એકમ વડોદરામાં સ્થાપવામાં સફળ રહી છે.