ઉત્તરપ્રદેશમાં નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ એરપોર્ટ ઉત્તર ભારતનું લોજિસ્ટિક ગેટવે બનશે. નોઇડા એરપોર્ટનો એશિયાના સૌથી મોટા એરોડ્રોમ્સમાં સમાવેશ થશે.આ એરપોર્ટનું નિર્માણકાર્ય 2024માં પૂરું થશે.
યુપીની અગાઉની સરકારો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યુપીને અગાઉ મુશ્કેલીઓ અને અંધકારમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને હંમેશાથી જે માટે લાયક હતું તે મળી રહ્યું છે. ભાજપની ડબલ એન્જિનની સરકાર સાથે તેનો પ્રારંભ થયો છે.
યુપીમાં વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે આ એરપોર્ટથી રાજ્યને નિકાસકેન્દ્રી બનવામાં મદદ મળશે. એમએસએમઇ પણ વિદેશી માર્કેટનો સરળતાથી લાભ લઈ શકશે. નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય 2024માં પૂરું થશે અને તે ઉત્તર ભારતનું લોજિસ્ટિક્સ ગેટવે બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માળખાગત સુવિધા અમારા માટે રાજકારણ નહીં, પરંતુ રાષ્ટ્રીય નીતિનો ભાગ છે. મોદીએ જણાવ્યું હતું કે અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ કે પ્રોજેક્ટ્સ અટવાઈ ન બને. અમે પ્રયાસ કરીએ છીએ કે માળખાગત સુવિધાના પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમયમાં પૂરા થાય.