સ્પેનમાં છેલ્લાં કેટલાક સમયથી વેશ્યાવૃત્તિ અત્યંત ફુલીફાલી હોવાથી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે દેશમાં વેશ્યાવૃત્તિને અપરાધ જાહેર કરવાનો સંકલ્પ લીધો હતો. તેમણે વેલેંસિયા ખાતે પોતાની શાસક સોશિયલિસ્ટ વર્કર્સ પાર્ટીના સંમેલનમાં બોલતાં વેશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મુકવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાંચેજે કહ્યું હતું કે, આ એક એવી પ્રથા છે જે મહિલાઓને ગુલામ બનાવે છે અને મહિલાઓ વિરૂદ્ધની હિંસાનું સૌથી ખરાબ સ્વરૂપ છે.
1995માં સ્પેનમાં વેશ્યાવૃત્તિને ગુનાઇત પ્રવૃત્તિઓની યાદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. 2016માં યુનાઇટેડ નેશન્સના એક અનુમાન પ્રમાણે સ્પેનમાં વેશ્યાવૃત્તિનો કારોબાર 4.2 બિલિયન ડોલર એટલે આશરે 4.2 બિલિયન ડોલર કરતા પણ વધારેનો હતો. વર્ષ 2009ના એક સર્વે રિપોર્ટ પ્રમાણે સ્પેનમાં દર ત્રીજી વ્યક્તિ સેક્સ માટે કિંમત ચુકવે છે. જોકે 2009માં જ પ્રકાશિત થયેલા અન્ય એક રિપોર્ટ પ્રમાણે આ આંકડો 39 ટકા જેટલો વધુ હોઈ શકે છે. વર્ષ 2011માં સંયુક્ત રાષ્ટ્રએ સ્પેનને વેશ્યાવૃત્તિનું વિશ્વનું ત્રીજું સૌથી મોટું કેન્દ્ર માન્યુ હતું. આ મામલે સ્પેનથી આગળ ફક્ત થાઈલેન્ડ અને પુર્તો રિકો જ હતા.
3 લાખ મહિલાઓ વેશ્યાવૃત્તિના કાદવમાંઃ સ્પેનમાં પૈસાના બદલામાં સેક્સ સર્વિસ મેળવનારા લોકો માટે કોઈ સજા નથી નક્કી કરવામાં આવી જ્યાં સુધી આવું કોઈ સાર્વજનિક સ્થળે ન કરવામાં આવ્યું હોય.
જોકે દેશમાં વેશ્યાવૃત્તિમાં દલાલી કે કોઈ સેક્સ વર્કર અને ક્લાયન્ટ વચ્ચે પ્રતિનિધિ તરીકે કામ કરવાનું ગેરકાયદેસર છે. દેશમાં વેશ્યાવૃત્તિ કાયદેસર જાહેર કરવામાં આવી ત્યાર બાદ આ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી છે. સ્પેનમાં આશરે 3 લાખ મહિલાઓ વેશ્યાવૃત્તિના કારોબારમાં સંલિપ્ત છે.