વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરીને માફી માગી હોવા છતાં દિલ્હીની બોર્ડર પર આશરે એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતો નમતુ જોખવા તૈયાર નથી અને વધુ માગણીઓ કરી રહ્યાં છે. રવિવારે સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા (SKM)ની બેઠક યોજાઈ હતી અને તેમાં સંખ્યાબંધ નવા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતો. ખેડૂતો 29 નવેમ્બરે સંસદ તરફ કૂચ કરશે અને વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખશે. આવતીકાલે લખનૌમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરશે. 24 નવેમ્બરે કિસાન મઝદૂર સંઘર્ષ દિવસ મનાવાશે. 26 નવેમ્બરે દિલ્હી બોર્ડર પર માર્ચ કરવામાં આવશે અને 28 નવેમ્બરે સંસદ તરફ કૂચ કરશે.
વડાપ્રધાનની જાહેરાત પછીની પ્રથમ બેઠકમાં ખેડૂત નેતાઓએ પોતાની પેન્ડિંગ માગણીઓ રજૂ કરીને મોદીને ખુલ્લો પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. આ પત્રમાં તેઓ કૃષિ પેદાશોના લઘુતમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવા સહિતની માગણી કરશે. આ પત્રમા કૃષિ મુદ્દે મંત્રણાની પણ અપીલ કરાશે.રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે કૃષિ પેદાશોના ટેકાના ભાવ અંગે કાયદો બનાવવાની અને વીજળી કાયદા પાછા ખેંચી લેવાની માગણી પેન્ડિંગ છે.
વડાપ્રધાન મોદીએ પોતાની જાહેરાતમાં આંદોલનકારી ખેડૂતોને આંદોલન સમેટીને ઘેર પરત જવાની અપીલ કરી હોવા છતાં ખેડૂતોએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે ત્રણ કૃષિ કાયદાને સત્તાવાર રીતે પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. ટેકાના ભાવ અંગે કાયદો ઘડવા ઉપરાંત ખેડૂતોએ તેમની સામે થયેલા પોલીસ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે.
બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે આવતીકાલે લખનૌમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. બ્રિટિશ ઇન્ડિયન રાજકીય નેતા સર છોટુ રામની જન્મજયંતીએ 24 નવેમ્બરે કિસાન મઝદૂર સંઘર્ષ દિવસ મનાવાશે. 26 નવેમ્બરે દિલ્હી બોર્ડર પર માર્ચ કરવામાં આવશે અને 29 નવેમ્બરે સંસદ તરફ કૂચ કરાશે. 26 નવેમ્બરે આ આંદોલનને એક વર્ષ પૂરું થાય છે.
કિસાન મોરચાએ સ્થિતિની સમીક્ષા કરવા 27 નવેમ્બરે વધુ એક બેઠક બોલાવી છે. આમ ખેડૂત આંદોલન સમાપ્ત થશે કે નહીં તે અંગે હવે 27 નવેમ્બર પછી જ ખબર પડશે. રવિવારની બેઠકમાં કિસાન મોરચાએ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને નાણાકીય સહાય આપવાના તેલંગણા સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર આશરે 700 બહાદૂર ખેડૂતોના મૂલ્યવાન અને ટાળી શકાય તેવી શહીદીને સ્વીકારતી નથી.
સરકારની તપસ્યામાં કંઇક ખોટ રહી ગઈ હતી અને સરકાર કેટલાંક ખેડૂતોને કૃષિ કાયદા અંગેના સત્યને સમજાવી શકી નહીં તેવા નિવેદન બદલ વડાપ્રધાન સામે વળતો હુમલો કરતાં ખેડૂતો નેતાએ જણાવ્યું હતું કે હકીકતમાં આંદોલનકારી ખેડૂતોએ ખરી તપસ્યા કરી છે.
કિસાન મોરચાએ જણાવ્યું હતું કે “આ અન્નદાતાએ ઐતિહાસિક આંદોલનની તપસ્યા સાથે પ્રથમ ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને સંપૂર્ણ વિજય તરફ મક્કમતાપૂર્વક આગળ વધી રહ્યાં છે, જે હકીકતમાં લોકશાહીનો ખરો વિજય હશે. આ વિજય કોઇને અભિમાન કે ગર્વનો સવાલ નથી, પરંતુ તે લાખ્ખો વંચિત અને ગરીબ ભારતીય લોકોના જીવન અને આજીવિકાનો મુદ્દો છે. તેમનું આંદોલન ખેડૂત આંદોલન કરતાં મોટું છે.” ખેડૂતોનું વધુ આક્રમક વલણ જોતા લાગે છે કે આ આંદોલન થોડા સમયમાં સમાપ્ત થાય તેવું લાગતું નથી. સિંઘુ બોર્ડર પર બેઠકમાં ખેડૂતોએ આંદોલનને હાલમાં ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેથી દિલ્હીની સીમા પર જામ ખુલવાની શક્યતા નથી અને લોકોએ પહેલાની સામે હેરાનગતિનો સામનો કરવો પડશે.