વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કર્યા બાદ રાજકીય પક્ષોએ તેમની પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે દેશના અન્નદાતાએ સત્યાગ્રહ કરીને અહંકારનું માથું નમાવ્યું. અન્યાય વિરુદ્ધ જીત થઈ છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલે મીડિયાને કહ્યું કે મોદી સરકાર આજે પોતાની ભૂલ સ્વીકારી છે. હવે લોકો આ ભૂલની સજા નક્કી કરશે. આ નિર્ણય લેવા પાછળ ભાજપને ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોની ચૂંટણી હારવાનો ડર દેખાઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળાના મુખ્યપ્રધાન અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું હતું કે તમામ ખેડૂતોને મારા હાર્દિક અભિનંદન, જેમણે અટકાવ્યા વગર લડાઈ લડી અને જે ક્રૂરતાથી ભાજપે તમને ટ્રીટ કર્યા, તેનાથી પણ તમે ન ડર્યા. તે તમારી જીત છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આજે પ્રકાશ પર્વે દિવસે કેટલી મોટી ખુશખબરી મળી છે. ત્રણેય કાયદા રદ થયા. 700થી વધુ કિસાન શહીદ થઈ ગયા. તેમની શહીદી અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ રાખશે કે આ રીતે દેશના કિસાનોએ પોતાના જાનની બાજી લગાવીને કૃષિ અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને નમન.