મિલિયોનેર બાય-ટુ-લેટ લેન્ડલોર્ડની બર્કશાયરના સ્લાઉ ખાતે રહેતી ‘વિધવા’ સીન્ડી જેસલે તેમના સંતાનો સાથેની કાનૂની લડાઈ બાદ £385,000નો ભાગ જીતી લીધો છે. પરંતુ તેણીએ કોર્ટમાં રજૂ કરેલા પુરાવા જાહેર થયા બાદ તેણે બેનિફિટ સીસ્ટમને છેતરીને ફાયદો મેળવ્યો હોવાનું બહાર આવતા તેની પાસેથી હજારો પાઉન્ડ છીનવી લેવાશે અને તેને જેલનો સામનો કરવો પડી શકે છે.
57 વર્ષની જેસલે 2003માં એક ઇસ્લામિક સમારંભમાં મિસ્ટર શાહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેઓ કાયદેસર રીતે પતિ-પત્ની નહોતા. 64 વર્ષના એલન શાહ ગયા વર્ષે બ્રેઇન હેમરેજને કારણે મૃત્યુ પામ્યા હતા, અને તેમણે એક માત્ર પુત્ર સજ્જાદ અલી શાહ પર બધું છોડી દીધું હતું અને “પત્ની” સિન્ડી જેસલને સંપૂર્ણપણે મિલ્કતમાંથી બાકાત કરી દીધી હતી. તેણીએ એલન શાહના મૃત્યુ પછી તેની £1 મિલિયનની એસ્ટેટમાંથી રકમ મેળવવા માટે તેણે દાવો કર્યો હતો અને આગ્રહ કર્યો હતો કે તેઓ જીવનસાથી તરીકે સાથે રહેતા હતા અને તેણી ટેકો મેળળવા માટે હકદાર હતી.
સજ્જાદ શાહે તેની બહેનો સોફિયા શાહ, શબાના શાહ અને સબરીના શાહ સાથે મળીને લડત આપી દાવો કર્યો હતો કે તેના પિતા અને જેસલ 2012 પછી લગ્ન જેવા સંબંધમાં ન હતા. પરંતુ હાઇકોર્ટના જજે તેણીની તરફેણમાં ચુકાદો આપી જંગી રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.
જો કે, શાહ પરિવારે કોર્ટમાં જણાવ્યું હતું કે ‘’તેણીએ સ્થાનિક કાઉન્સિલ પાસેથી હાઉસિંગ બેનીફીટનો દાવો કરવા માટે એમ કહીને છેતરપિંડી કરી હતી કે તેણી અને શ્રી શાહ સાથે સહવાસ કરતા નથી.
જેસલ આ છેતરપીંડી બદલ કાર્યવાહીનો સામનો કરી રહી છે અને જજ મેથ્યુ માર્શે સત્તાધિકારીઓને કોઈપણ ખોટી રીતે ચૂકવાયેલા બેનીફીટની રસમ પરત મેળવી શકાય તે આશયે તેણીએ જીતેલા £200,000ને રોકવાનો આદેશ આપ્યો છે.