કેનેડાથી પરત લવાયેલી માતા અન્નપૂર્ણાની પ્રાચીન મૂર્તિનું સોમવારે ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. 108 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ સોમવારે સવારે માતા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમા શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રતિમા યાત્રાની આગેવાની કરી હતી. આ સાથે જ સમગ્ર મંદિર પરિસર માતાના જયજયકાર અને હર-હર મહાદેવના ઉદ્ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ભવ્ય સ્વાગત બાદ પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનનો આરંભ થયો હતો. યોગી આદિત્યનાથ દ્વારા પ્રતિમાની પુનઃસ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. બલુઆ પથ્થરમાંથી બનેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા 18મી સદીની હોવાનું કહેવામાં આવે છે. માતાના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી છે. આ પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંચી તે આજે પણ રહસ્ય જ છે. લોકોના કહેવા પ્રમાણે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને વેચી દીધી હતી. કાશીના વડીલ વિદ્વાનોને પણ માતા અન્નપૂર્ણાની પ્રતિમા ગાયબ થઈ ગઈ હોવા અંગે કોઈ જાણકારી નહોતી.