કોરોના કાળમાં લોકોને મદદ કરીને હેડલાઇનમાં ચમકેલા બોલિવૂડ એક્ટર સોનૂ સૂદે રવિવારે જણાવ્યું હતું કે, તેની બહેન માલવિકા સૂદ રાજકારણમાં પ્રવેશ કરી રહી છે, પરંતુ તેનો કોઈ જ આવો ઈરાદો નથી. સોનૂ સૂદની આ જાહેરાત બાદ અટકળો શરૂ થઈ ગઈ છે કે તેની બહેન 2022માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી મોગાથી પોતાનું નસીબ અજમાવી શકે છે. માલવિકા સૂદે બાદમાં જણાવ્યું કે, તે 2022માં પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મોગાથી લડશે.
મોગા જિલ્લા સાથે સંબંધ ધરાવતા સૂદે કહ્યું કે, તેની બહેન માલવિકાએ ભૂતકાળમાં ખૂબ જ સારા કામ કર્યા છે. સોનૂ સૂદે એક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું સત્તાવાર રીતે કહેવા માગુ છું કે માલવિકા સૂદ ચોક્કસ રીતે પંજાબની સેવા કરવા માટે આવશે.કયા પક્ષમાં તે જોડાશે એને લઈને જ્યારે પૂછવામાં આવ્યું તો સોનૂ સૂદે કહ્યું કે, આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. સોનૂ સૂદે કહ્યું કે, અમે હજુ સુધી પાર્ટી અંગે કોઈ પણ નિર્ણય લીધો નથી. જ્યારે પણ સમય આવશે, ત્યારે અમે ખાતરી કરીને તમને આ વાતની જાણકારી આપીશું.
તેઓ પણ રાજકારણમાં આવશે તેવા પ્રશ્નના જવાબમાં સોનૂ સૂદે કહ્યું કે, રાજકારણમાં પ્રવેશવાને લઈને હજુ સુધી મેં કંઈ વિચાર્યુ નથી. સોનૂ સૂદે ગયા વર્ષે કોવિડ-19ની મહામારી વખતે લૉકડાઉનમાં પ્રવાસીઓને પોતાના રાજ્યો સુધી પહોંચાડવામાં ખૂબ જ મદદ કરી હતી, જે બાદ સોનૂ સૂદ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો.