ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ મોરબી જિલ્લાના ઝિંઝુડા ગામમાંથી રવિવારે રાત્રે દરોડો પાડીને 120 કિગ્રા ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 600 કરોડ થતી હોવાનો અંદાજ છે. એટીએસએ આ કેસમાં ત્રણ વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.
સ્થાનિક પોલીસની મદદથી એટીએસએ કરેલી કાર્યવાહીમાં મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર જોડિયા, શમસુદ્દીન હુસેન સઇદ અને ગુલામ હુસેન ભગતની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસએ એક નિવેદનમાં જણાવાયું હતું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્તાર હુસેન અને ગુલામ ભગત દરિયાઇ માર્ગે આ હેરોઇન લાવ્યા હતા. તેમને પાકિસ્તાન બોટમાં આ ડ્રગ્સની ડિલિવરી મળી હતી.
મોરબીના નવલખી પોર્ટ પાસે આવેલા નાનકડા ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે ATS અને મોરબી એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બે ઘરમાં હરોઈન ડ્રગ્સનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે એક સપ્તાહ પહેલા જ દેવભૂમી દ્વારાકમાંથી પણ કરોડો રુપિયાની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી વાયા પાકિસ્તાન થઈને માદક પદાર્થ ભારતના અનેક રાજ્યમાં સપ્લાય થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્થાનિક પોલીસ અને એટીએસએ બાતમીદારોનું નેટવર્ક વધારી દીધું છે. દરમિયાન સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. બાતમીના આધારે ATS દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હતાં.