કોરોનાનો કહેર માંડ ઓછો થયો છે ત્યારે દિલ્હીમાં પ્રદૂષણે હાહાકાર મચાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણમાં વધારાને ઇમર્જન્સી જેવી સ્થિતિ ગણાવીને આક્રમક વલણ અપનાવ્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવાર, 13 નવેમ્તાબરે કીદે ધડાધડ પગલાં લઇને આંશિક લોકડાઉન જેવી જાહેરાત કરી હતી. તેમણે એક સપ્તાહ માટે સ્કૂલો-કોલેજે બંધ રાખવાની, સરકારની અધિકારીઓને ઘરેથી કામ કરવાનો અને બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. અગાઉમાં પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચતા સુપ્રીમ કોર્ટે દેશની રાજધાનીમાં લોકડાઉન લાદવાનું સૂચન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના આક્રમક વલણના થોડા કલાકોમાં કેજરીવાલે હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે તેમના કેબિનેટ પ્રધાનો અને સંબંધિત વિભાગોની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્ર, CPCB અને બીજી એજન્સીઓ સાથે વિચારવિમર્શ કર્યા બાદ સુપ્રીમ કોર્ટ સમક્ષ લોકડાઉનની દરખાસ્ત રજૂ કરશે.
શનિવારે દિલ્હીમાં એર ક્વોલિટી સતત ત્રીજા દિવસે ગંભીર કેટેગરીમાં રહી હતી. 24 કલાક માટેનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 437ના ઊંચા સ્તરે રહ્યો હતો, જેમાં એક દિવસ પહેલાં કરતાં થોડો સુધારો થયો હતો. નોઇડા અને ગુરગાંવના નજીકના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) અનુક્રમે 587 અને 557 રહ્યો હતો. તે દિલ્હીના લોધી રોડ, દિલ્હી યુનિવર્સિટી, આઇઆઇટી દિલ્હી, પુસા રોડ-1 અને દિલ્હી એરપોર્ટ પર અનુક્રમે 489, 466, 474, 480 અને 504 રહ્યો હતો.
ઇમર્જન્સી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે સિટી સ્કૂલમાં વર્ચ્યુઅલ કલાસ ચાલુ રહેશે. 14 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી ચાર દિવસ માટે બાંધકામ પ્રવૃત્તિઓ બંધ રહેશે. બીજી તરફ એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે પરાલી બાળવાથી દિલ્હીમાંથી પ્રદૂષણમાં વધારો ચાલુ રહેશે.કેજરીવાલે જણાવ્યું હતું કે અમે સોમવારથી એક સપ્તાહ માટે સ્કૂલો બંધ રાખીશું, જેથી આપણા બાળકોએ ઘરની બહાર ન જવું પડે અને દુષિત હવા ન લેવી પડે. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે રાજધાનીમાં સ્કૂલો ખુલી ગઈ છે અને બાળકો પ્રદૂષણનો ભોગ બની રહ્યાં છે.
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઇમર્જન્સી સ્થિતિમાં આવી ગયું હોવાનો ઉલ્લેખ કરતાં કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી સરકારની તમામ ઓફિસો એક સપ્તાહ માટે બંધ રહેશે, પરંતુ તમામ અધિકારીઓ ઘરેથી કામ કરશે. તમામ ખાનગી ઓફિસને પણ વર્ક ફ્રોમ હોમનું સૂચન કરવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં પ્રદૂષણમાં વધારો થયો છે. 30 સપ્ટેમ્બર સુધી હવા શુદ્ધ હતી અને તેનો ઇન્ડેક્સ 100થી નીચો હતો, પરંતુ પડોશી રાજ્યોમાં પરાલી બાળવાનું ચાલુ રહેતા દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે.
કેજરીવાલે જણાવ્યું હતું કે બીજા તરફ આંગળી ચિંધવાનો સમય નથી. દિલ્હી સરકાર દિલ્હીવાસીઓ અને બાળકોને ઇમર્જન્સી જેવી સ્થિતિમાં રાહત આપવા માગે છે.અગાઉ પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે લોકડાઉન લાદવાનું સૂચન કરતાં સુપ્રીમ કોર્ટે એર ક્વોલિટીમાં સુધારો કરવા માટે તાકીદે પગલાં લેવા કેન્દ્ર અને રાજય સરકારને તાકીદ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે પ્રદૂષણની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોએ ઘરમાં માસ્ક પહેરવા પડે છે.
ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે વાહનોનો ધુમાડો, ફટાકડા અને ધૂળના રજકણો જેવા બીજા કારણો છે. એકમાત્ર પરાલીને જવાબદાર ગણી શકાય નહીં. સુપ્રીમના આ સૂચન અંગે કેજરીવાલે જણાવ્યું હતું કે આપ સરકાર હાલમાં લોકડાઉન લાદી રહી નથી. અમે કેન્દ્ર સરકાર, , CPCB, SAFARને વિશ્વાસમાં લઈશું. જો સ્થિતિ કથળશે તો તમામ ખાનગી વાહનો, પરિવહન, બાંધકામ અને ઓદ્યોગિક પ્રવૃત્તિઓ પર રોક આવી શકે છે. લોકડાઉનની દરખાસ્ત સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાશે.
આવા આકરા પગલાંને મજબૂરી ગણાવીને તેમણે જણાવ્યું હતું કે દિલ્હીના લોકો તેને સમજે છે. આપ સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે જરૂરી હોય તેવા તમામ પગલાં લઈ રહી છે.