ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાષ્ટ્રપતિ ભવન દ્વારા ગુરુવારે આયોજિત ગવર્નર્સ કોન્ફરન્સ-2021માં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે ગુજરાત રાજ્યના અહેવાલની પ્રસ્તુતિ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતે સર્વગ્રાહી વિકાસના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે “સૌનો સાથ, સૌનો વિકાસ” સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરી બતાવ્યું છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના વિકાસ કેન્દ્રમાં રાજ્યના પ્રત્યેક નાગરિક હોવાનું અને વિકાસાભિમુખ પ્રશાસનને ગુજરાતની વિશેષ ગણાવી હતી.
આ ઉપરાંત તેમણે “બેસ્ટ પ્રેક્ટિસીઝ એટ રાજભવન” સેશનમાં ગુજરાત રાજભવન દ્વારા ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનની સફળતાગાથા રજૂ કરી હતી. તેમણે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિને પ્રસ્તુત કરી હતી.
ગવર્નર્સ કોન્ફરન્સ-2021ના પ્રારંભમાં ભારતના રાષ્ટ્રપતિશ્રી રામ નાથ કોવિંદે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કોન્ફરન્સમાં અંતિમ ચરણમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌનું માર્ગદર્શન કર્યું હતું. કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગવર્નર્સ કોન્ફરન્સનું સમાપન કર્યું હતું. આ કોન્ફરન્સમાં ભારતના વિભિન્ન રાજ્યોના રાજ્યપાલશ્રીઓ કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ. ગવર્નર્સશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.