ઓનલાઈન જુગારના વ્યસનને પોષવા માટે પોર્ટ્સમથમાં GP પ્રેક્ટિસના જૂથની દેખરેખ રાખતી કંપની પોર્ટ્સમથ પ્રાઈમરી કેર એલાયન્સ લિમિટેડ (PPCA)માંથી £1.1 મિલિયનના નાણાની ચોરી કરવા બદલ સાઉથસીના 45 વર્ષીય ડૉ. રૂમી છાપિયાને ત્રણ વર્ષ અને ચાર મહિનાની જેલની સજા કરાઇ હતી. તેમણે 2020માં 41 દિવસના સમયગાળામાં 65 ટ્રાન્સફર કરી આ રકમની ચોરી કરી હતી. કંપનીની રચના હેમ્પશાયર શહેર અને તેની આસપાસની GP પ્રેક્ટિસનો વહીવટ કરવા માટે કરવામાં આવી હતી.
પોર્ટ્સમથ ક્રાઉન કોર્ટમાં કહેવાયું હતું કે તેણે કુલ £2.5 મિલિયનનો જુગાર રમ્યો હતો. જેમાંથી તેણે તેના નુકસાનના £1.2 મિલિયન પાછા મેળવ્યા હતા. ગયા વર્ષે ઑગસ્ટમાં PPCA ના ફાઇનાન્સનો હવાલો સંભાળતા માર્ક સ્ટબિંગ્સ બીમાર પડતા છાપિયાએ ડિરેક્ટર બનવા અને તેના એકાઉન્ટ્સનું સંચાલન કરવા માટે સ્વૈચ્છિક રીતે તૈયારી બતાવી હતી. પરંતુ સ્ટબિંગ્સે નજર રાખવાનું ચાલુ રાખ્યું હતું અને તેના £1 મિલિયનના એકાઉન્ટમાં £600,000નો ઘટાડો થતા તેમણે ફરિયાદ કરી હતી.
છાપિયાએ દાવો કર્યો હતો કે તે સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હતો પણ તેણે પૈસાની ઉચાપત કરવાનું ચાલુ રાખ્યું હતું અને ગયા વર્ષે 20 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધીમાં તેણે £1,133,704.50 ની ઉચાપત કરી હતી. તેણે ઉચાપત કરેલ £1.13 મિલિયનમાંથી £238,000 પાછા ચૂકવ્યા હતા અને જુગારની કંપનીઓ £904,000 પરત કર્યા છે.
જજ કીથ કટલરે જણાવ્યું હતું કે “તમે તમારા પર મૂકેલા વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. જીપી તરીકેની તમારી ફરજ તમારા દર્દીઓને સર્વશ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવાની હોવી જોઈએ, પરંતુ તમે અપ્રમાણિક હતા. તમે જુગારની લતમાં ફસાઈ ગયા હતા.”
છાપિયા આ અગાઉ ડ્રિંક ડ્રાઇવ માટે દોષિત ઠર્યા હતા. ડૉ. છપિયાને બે વાર કોવિડ થયો હતો અને ધરપકડ બાદ પણ તેણે A&E માં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. રોગચાળાના બીજા તરંગ દરમિયાન, તે આઇલ ઓફ વાઇટની એક હોસ્પિટલમાં કામ કરતા હતા અને તેના કેટલાક સાથીદારોએ તેમના વર્તનને ઉત્તમ ગણાવ્યું હતું.
છાપિયાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજીનામું આપી પદનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી.