પ્રતિસ્પર્ધી પ્રેમિકા મિશેલ મેરિટને ચહેરા પર એસિડ છાંટવાની અને તેની નગ્ન તસવીરો તેના પરિવારને મોકલવાની ધમકી આપીને હેરાન કરવા બદલ લેસ્ટર ઇસ્ટના એમપી ક્લાઉડિયા વેબ્બને સસ્પેન્ડેડ સજા કરવામાં આવી હતી.
ક્લાઉડિયા વેબ્બને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે દસ અઠવાડિયાની જેલની સજા કરી હતી જે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી અને 200 કલાકનું કોમ્યુનિટી વર્ક કરવા હુકમ કરાયો હતો. પીડિતા મિશેલ મેરિટને વેબ્બના બોયફ્રેન્ડ લેસ્ટર થોમસની લાંબા ગાળાની મિત્ર હતી.
ચિફ મેજિસ્ટ્રેટ પૌલ ગોલ્ડસ્પ્રિંગે વેબ્બની વર્તણૂકને “નિષ્ઠુર અને ધાકધમકીભરી” ગણાવી સજા આપતા કહ્યું હતું કે “તમે લેસ્ટર થોમસ અને મિશેલ મેરિટ વચ્ચેના સંબંધોની ઈર્ષ્યા કરતા હતા, અને સંભવતઃ કોઈક રીતે તેનાથી ખતરો અનુભવ્યો હતો. તમે થોડો પસ્તાવો દર્શાવ્યો હતો અને જો અગાઉ સારૂ ચરીત્ર ધરાવતા હોવાથી જેલની સજા માફ કરાઇ હતી. તમે સાંસદ અને સમાજના સખત પરિશ્રમશીલ, ઉત્કૃષ્ટ સભ્ય છો. પરંતુ સતામણીનું સ્તર અને તમે જે ધમકીઓ આપી છે તે જોતાં તમને માફ કરી શકાય નહીં.’’
56 વર્ષીય વેબ્બને આ નિર્ણય બાદ લેબર પાર્ટીના સભ્ય તરીકે હાંકી કાઢવામાં આવ્યા હતા. તેણીને હાઉસ ઓફ કોમન્સમાં લેબરનું પ્રતિનિધિત્વ કરતા આ પહેલાથી જ પ્રતિબંધિત કરવામાં આવી હતી પરંતુ ચુકાદા સામે અપીલ કરવાનો તેણે ઇરાદો દર્શાવતા સાંસદનું પદ છોડવાનો ઇનકાર કર્યો હતો.
જો આ અપીલ અસફળ રહેશે તો આ સજાનો અર્થ એ છે કે વેબ્બને રિકોલ પિટિશનનો સામનો કરવો પડશે અને તેના 10 ટકા મતદારો દ્વારા સહી કરવામાં આવે તો પેટાચૂંટણી શરૂ થશે.
ચુકાદા પછી, વેબેએ કહ્યું હતું કે “હું અપીલ દાખલ કરી રહી છું અને આજની સજા છતાં હું અપીલ મંજૂર થવાની સંપૂર્ણ અપેક્ષા રાખું છું અને આખરે, તે સફળ થશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મને મારા જીવન માટે અસંખ્ય ધમકીઓ અને અધમ જાતિવાદી દુર્વ્યવહારનો સામનો કરવા પડ્યો છે. આ હુમલાઓ માટે જવાબદાર કાયર લોકો મને મારું નામ સાફ કરવાથી રોકી શકશે નહીં.’’
વેબ્બે સપ્ટેમ્બર 2018 અને એપ્રિલ 2018ની વચ્ચે મેરિટને ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા. જેમાં તેણીને “એક સ્લેગ” કહી હતી. ટ્રાયલ દરમિયાન વેબ્બને લેબર નેતાઓ જેરેમી કોર્બીન, જ્હોન મેકડોનેલ અને ડિયાન એબોટે કેરેક્ટર રેફરન્સ સાથે સમર્થન આપ્યું હતું.
ઇસ્લિંગ્ટનના ભૂતપૂર્વ કાઉન્સિલર, વેબ્બ 2019ની સામાન્ય ચૂંટણીમાં લેસ્ટર ઇસ્ટના લેબર સાંસદ તરીકે કીથ વાઝની જગ્યાએ માત્ર 6,000 મતની બહુમતીથી ચૂંટાયા હતા.