ભારતના 124 વર્ષ જૂના ઔદ્યોગિક જૂથ ગોદરેજ ગ્રૂપના બિઝનેસના ભાગલા પડશે. ગોદરેજ ગ્રૂપના 4.1 બિલિયન ડોલરના બિઝનેસને ગોદરેજ પરિવાર વચ્ચે બે ભાગમાં વિભાજીત કરવાની કવાયત શરૂ કરી દીધી છે. ગોદરેજ ગ્રૂપના બિઝનેસનું વિભાજન આદિ ગોદરેજ- નાના ભાઇ નાદિર ગોદરેજ અને તેમના પિતરાઇ ભાઇ-બહેન જમશેદ ગોદરેજ – સ્થિતા ગોદરેજ કૃષ્ણા વચ્ચે થશે.
ગોદરેજ ગ્રૂપમાં વિવાદની શરૂઆત મુંબઇમાં આવેલી 1000 એકર જમીનને લઇને થઇ હતી. હાલ આ બિઝનેસની કમાન ગોદરેજ પરિવારની ચોથી પેઢીના હાથમાં છે. ગોદરેજ ગ્રૂપનો કારોબાર કન્ઝ્યુમર ગુડ્સથી લઇને રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ સુધી ફેલાયેલો છે. બિઝનેસના વિભાજન અંગે ઘણા મહિનાથી ચર્ચા ચાલી રહી હતી. ગોદરેજ ગ્રૂપની શરૂઆત 124 વર્ષ પહેલા તાળું બનાવતી કંપનીથી થઇ હતી. કંપનીએ દુનિયાનો પહેલો વેજેટિબલ ઓઇલ સોપ બનાવ્યો હતો.
ગોદરેજ ગ્રૂપની ગોદરેજ અને બોય્સને બાદ કરતા તમામ લિસ્ટેડ કંપનીઓ જીઆઇએલ, જીસીપીએલ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ગોદરેજ એગ્રોવેટની કમાન આદિ અને નાદિર ગોદરેજના હાથમાં છે. પરિવારના તમામ સભ્યોની એકબીજાની કંપનીઓમાં હિસ્સેદારી અને બોર્ડમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. ગોદરેજ ગ્રૂપે એક નિવેદનમાં કહ્યુ કે, ગોદરેજ પરિવાર શેરધારકોની માટે શ્રેષ્ઠ મૂલ્યની ખાતરી કરવા માટે લાંબા ગાળાની વ્યૂહાત્મક યોજના પર કામગીરી કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ નિમેષ કંપાની અને ઉદય કોટક જેવા પરિવાર સાથે જોડાયેલા બેન્કરો અને AZB એન્ડ પાર્ટનર્સના ઝિયો મોદી અને સિરિલ શ્રોફ જેવા કાયદાકીય તજજ્ઞો પાસેથી સુચનો લેવાઇ રહ્યા છે.