વૈશ્વિક દબાણની વચ્ચે અદાણી પોર્ટે મ્યાનમાર ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાની યોજના પડતી મૂકી છે. અદાણી પોર્ટે બુધવારે જણાવ્યુ કે, તે પ્રોજેક્ટ માટે અમેરિકન લાઇસન્સ માટેની અરજી કર્યાના અઠવાડિયા બાદ મ્યાનમારમાં કન્ટેનર ટર્મિનલ વિકસાવવાની યોજના પડતી મૂકી છે અને તેઓ માને છે કે તે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતા નથી.
ઉલ્લેખનિય છે કે, ગત ફેબ્રુઆરીમાં મ્યાનમારમાં સત્તા પરિવર્તનથી સૈન્ય શાસન આવ્યુ અને મોટા સ્તરે વિરોધ પ્રદર્શન થયુ જેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા.
આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે નિંદા અને સૈન્યના વ્યક્તિઓ, સૈન્ય દ્વારા અંકુશિત કંપનીઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.
મ્યાનમારમાં કન્ટેનર ટર્મિનલની યોજના પડતી મૂકવાના કોઇ નક્કર કારણ આપ્યા વગર અદાણી જૂથે એક નિવેદનમાં જણાવ્યુ કે, “કંપનીની જોખમ વ્યવસ્થાપન સમિતિએ, પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, મ્યાનમારમાં કંપનીના રોકાણમાંથી બહાર નીકળવાની યોજના પર કામગીરી કરવાનું નક્કી કર્યું છે, જેમાં વિનિવેશની તમામ તકો શોધવાનો સમાવેશ થાય છે.”
વધુમાં ઉમેર્યુ કે, કંપની આગામી વર્ષે માર્ચથી જૂનની વચ્ચે આ વિવાદાસ્પદ ટર્મિનલ પ્રોજેક્ટના રોકાણમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જાય તેવી અપેક્ષા છે. કંપનીએ આ પ્રોજેક્ટમાં 12.7 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતુ, જેમાં ભાડે પટ્ટે જમીનની 9 કરોડ ડોલરની અપફ્રન્ટ ચુકવણીનો સમાવેશ થાય છે. કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે, જો આ રોકાણની માંડવાળી કરશે તો નોંધપાત્ર અસર થશે નહીં કારણ કે કંપનીની કુલ સંપત્તિમાં પ્રોજેક્ટનો હિસ્સો માત્ર 1.3% છે. મ્યાનમાર સૈન્ય સાથે સંબંધો બદલ અદાણી પોર્ટ્સને અમેરિકાના શેરબજારના ઇન્ડેક્સ S&P indexમાંથી હાંકી કઢાયું હતું.