ગાંધીનગર જિલ્લા પોલીસે 3થી 7 વર્ષની ઉંમરની ત્રણ બાળકીઓ પર કથિત બળાત્કારના આરોપમાં સોમવારે 26 વર્ષના વિજય ઠાકોર નામના એક નરાધમની ધરપકડ કરી હતી. આ હેવાને દસ દિવસમાં આ ત્રણેય બાળકોઓ રેપ કર્યો હતો અને એકની હત્યા કરી હતી.
ગાંધીનગર રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે આ આઘાતજનક વાત એ છે કે આરોપી વિજય ઠાકોરે ત્રણ વર્ષની બાળકીને તેનો શિકાર બનાવી હતી અને તેના પર રેપ કરીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહ ગટરમાં નાંખી દીધો હતો.
આઇજીપીએ જણાવ્યું હતું કે આ આરોપને એક પુત્રી પણ છે. તે માનસિક રીતે વિકૃત છે અને પોર્ન ફિલ્મો જોવાની કુટેવ છે. આરોપીએ અત્યાર સુધી 3, 5 અને 7 વર્ષની બાળકી પર રેપ અને એકની હત્યા કર્યાનું સ્વીકાર્યું છે. આરોપીને વધુ પૂછપરછ માટે 11 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડમાં રાખવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસને રાંચરડામાં રહેતી એક મહિલાની ફરિયાદ મળી હતી કે કોઇ અજાણ્યા શખ્સે તેની 4 નવેમ્બરે તેની પાંચ વર્ષની પુત્રીનું અપહરણ કર્યું હતું અને પુત્રી સુમસામ જગ્યામાં મળી આવી હતી. બાળકીના મેડિકલ ચેક-એપમાં રેપની પુષ્ટી થઈ હતી. સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં ઘણા નોન ગુજરાતી મજૂરો રહે છે.
બાળકીઓનો બળાત્કાર કરવાના આરોપમાં પોલીસના હાથે ઝડપાયેલા વિજય ઠાકોરે પૂછપરછ દરમિયાન એકથી એક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વિજયે જણાવ્યું હતું કે તે બળાત્કારનો અર્થ પણ ના જાણતી હોય તેવી નાની બાળકીઓનો જ પીછો કરીને તેમને શિકાર બનાવતો હતો. તેનું માનવું હતું કે, નાની બાળકીઓ પોતાના માતાપિતાને કહી પણ નહીં શકે તે તેમની સાથે શું થયું છે. આરોપી સાંતેજની એક ફેક્ટરીમાં મજૂરીનું કામ કરે છે, અને તે પોર્ન એડિક્ટ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
તેણે પોલીસને એમ પણ કહ્યું હતું કે, નાની બાળકીઓ પ્રતિકાર કરી શકે તેમ ના હોવાથી પણ તે તેમને જ ખાસ ટાર્ગેટ કરતો. સાત વર્ષની એક છોકરીનો રેપ કર્યા બાદ વિજયને આ વાતનો અહેસાસ થયો હતો. તે બાળકીને તેણે સરળતાથી પોતાના કાબૂમાં કરી લીધી હતી, અને કોઈને તેની કરતૂતની ખબર પણ નહોતી પડી.
ગર્ભવતી પત્ની સાથે સેક્સ ના કરી શકતા હવસખોરે ત્રણ બાળકીને પીંખી
ગાંધીનગરમાં દસ દિવસમાં ત્રણ બાળકી પર રેપ કરનાર હવસખોરે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેની પત્નીને સાત મહિનાનો ગર્ભ છે. છેલ્લા 15 દિવસથી તે પત્ની સાથે શારીરિક સંબંધ ના બાંધી શકતા તેણે નાની છોકરીઓ પર પોતાની હવસ પૂરી કરવાનું નક્કી કર્યું હતું.
દસ દિવસ પહેલા તેણે પહેલી છોકરીનો રેપ કર્યો, ત્યારે છોકરી ના તો તેનો પ્રતિકાર કરી શકી હતી કે ના તો આ ઘટનાની બીજા કોઈને કંઈ ખબર પડી હતી. જેથી વિજયને પ્રોત્સાહન મળ્યું હતું અને તેણે ફરી આ કરતૂત કરવાની હિંમત કરી હતી. દિવાળીના દિવસે તેણે પાંચ વર્ષની છોકરીને નવા કપડાં અપાવવાની લાલચ આપીને ઉઠાવી હતી, અને તેનો રેપ કર્યા બાદ છોડી દીધી હતી.
બીજીવાર રેપ કર્યા બાદ વિજયને એમ હતું કે તે આ જ પ્રકારે નાની છોકરીઓને પોતાની શિકાર બનાવી શકે છે, અને તેની કોઈને ખબર પણ નહીં પડે. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેના ગામની નજીક બેસતા વર્ષની રાત્રે ગરબાનું આયોજન થયું હતું. તેમાં તેણે કેટલીક છોકરીઓને જોઈ હતી, અને ત્યાં પોતાનો નવો ટાર્ગેટ શોધવાનું શરુ કર્યું હતું. તે કેટલાક ગામમાં ફર્યો હતો, પરંતુ તહેવારને કારણે લોકો મોડે સુધી જાગતા હતા.
આખરે સાંતેજ ચોકડી નજીક તેને એક આદિવાસી પરિવાર સૂતેલો જોવા મળ્યો હતો. આ પરિવારની સાથે ત્રણ વર્ષની એક છોકરી પોતાના ભાઈ સાથે ઊંઘતી હતી, જેને વિજયે ઉઠાવી લીધી હતી. આરોપી છોકરીને એક અવાવરું સ્થળે લઈ ગયો હતો. આ દરમિયાન છોકરી જાગી જતાં તેણે તેનું મોઢું દબાવી દીધું હતું. એકાદ મિનિટ બાદ છોકરીનું હલનચલન બંધ થઈ ગયું હતું. પોલીસનું માનવું છે કે છોકરી તે જ વખતે મોતને ભેટી હતી, અને શક્ય છે કે આરોપીએ તેના મૃતદેહ પર રેપ કર્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે છોકરીના મૃતદેહનો રેપ કર્યા બાદ તેણે તેને એક ખાડામાં ફેંકી દીધી હતી, જ્યાંથી તે રવિવારે મળી આવી હતી.