ભારતની ક્રિકેટ ટીમ સોમવારે ટી-20 વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ નામિબિયા સામે ટકરાશે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માત્ર ઔપચારિકતા બની રહેશે, પરંતુ ભારતીય ટીમ મોટી જીત નોંધાવવા પર નજર રાખશે. આ ઉપરાંત વિરાટ કોહલી માટે આ મેચ ઘણી ખાસ થવાની છે, કારણ કે તે ટી-20 કેપ્ટન તરીકે પોતાની છેલ્લી મેચ રમશે. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ સહિત ઘણા સપોર્ટ સ્ટાફ માટે પણ આ ટીમ ઈન્ડિયા સાથે છેલ્લી મેચ હશે.
આ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તે T20 ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ નહીં કરે. ખિતાબની પ્રબળ દાવેદાર મનાતી ભારતીય ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ટી-20 બાદ કોહલી પાસેથી વન-ડે ટીમની કમાન પણ છીનવાઈ શકે છે. ભારત 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, પછી 2019માં 50 ઓવરનો વર્લ્ડ કપ અને હવે T20 વર્લ્ડ કપ 2021માં વિરાટની કપ્તાનીમાં નિરાશાજનક રીતે બહાર થઈ ગયું છે. ભારતની ટીમ વિરાટ કોહલીને ટી20 કેપ્ટન તરીકેની છેલ્લી મેચમાં મોટી જીત સાથે વિદાય આપવા માંગશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ સહિત ઘણા સપોર્ટ સ્ટાફ માટે પણ આ ટીમ ઈન્ડિયા સાથે છેલ્લી મેચ હશે. તેથી ભારતીય ટીમનો પ્રયાસ તેના કેપ્ટન સહિત કોચને શાનદાર વિદાય આપવાનો રહેશે.
ટીમ ઈન્ડિયા પાસે ગુમાવવા માટે કંઈ નથી. આવી સ્થિતિમાં નામિબિયાની ટીમ વિરાટ એન્ડ કંપનીને ચોંકાવવામાં કોઈ કસર છોડવા માંગશે નહીં. ડેવિડ વેઈસ, કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસ બેટથી, રુબેન ટ્રમ્પેલમેન અને જેજે સ્મિત બોલ સાથે ભારત માટે પડકાર રજૂ કરી શકે છે. લીગ રાઉન્ડ પૂરો થયા બાદ વેઈસ પાસે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની પણ તક હશે.