ગયા વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી હતી. પરંતુ આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી લોકોએ નવી આશા, નવા ઉમંગ સાથે મન મૂકીને દિવાળીના તહેવારોની ઉજવણી કરી હતી. અમદાવાદ સહિત ગુજરાતભરમાં દિવાળીની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવી પરત અયોધ્યા પહોંચતા દિવાળી ઉજવવાની પરંપરા છે. નવેમ્બર 4થી 6 દરમિયાન રાજ્યમાં દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને દિવાળી અને ગુજરાતનાં બેસતાં વર્ષની ગુરુવારે શુભકામનાઓ પાઠવી હતી.

યાત્રાધામોમાં દિવાળીના દિવસથી જ દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટયું હતું. સોમનાથ, દ્વારકા, શક્તિપીઠ અંબાજી, ચોટીલા, વીરપુર, પાવાગઢ સહિતના યાત્રાધામોમાં સેંકડો દર્શનાર્થીઓ ચાર દિવસમાં ઉમટી પડ્યા હતા. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોએ નવા કપડાં, મીઠાઈ અને ફટાકડાંની ધૂમ ખરીદી કરી હતી.

ગુજરાતમાં વેપારીઓએ ચોપડા પૂજન કરી આવનારું નવું વર્ષ વધુ શુકનવંતુ બની રહે તેવી પ્રાર્થના કરી હતી. અમદાવાદના સીજી રોડ, આશ્રમ રોડ, એસજી હાઇવે, રિલીફ રોડ સહિતના માર્ગો પર આવેલી દૂકાન-બિઝનેસ હાઉસમાં ચોપડા પૂજન બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ નિમિત્તે એસજી હાઇવે, સાઉથ બોપલ, સિંધુ ભવન, મણિનગર, નરોડા સહિતના અનેક વિસ્તારમાં મોડી રાત સુધી આતશબાજી સાથે દિવાળીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું.

ગત વર્ષે કોરોનાને કારણે પર્યટન સ્થળો પણ ખાલીખમ જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે મોટાભાગના પર્યટન સ્થળો પ્રવાસીઓથી હાઉસફૂલ થઇ ગયા છે. અમદાવાદમાંથી અનેક લોકો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, નોર્થ ઈસ્ટ, પશ્ચિમ બંગાળ, ગોવા તરફ ફરવા માટે ઉપડી ગયા હતા.
અનેક સંભારણાઓ, જીવનના નવા પાઠ શીખવી વિક્રમ સંવત ૨૦૭૭ની વિદાય થઇ હતી. નવી આશા, નવા ઉમંગ, નવા પડકારો સાથે વિક્રમ સંવત ૨૦૭૮નો પ્રારંભ થયો હતો.