મહારાષ્ટ્રના અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં શનિવારે ભીષણ આગ ભભૂકી ઉઠતા ઓછામાં ઓછા 10 દર્દીના મોત થયા હતા. મોતને ભેટેલા દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. અન્ય કેટલાક દર્દીઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ હતા. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોંસલેના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આગ લાગવાની ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.
આગની શરુઆત ICUમાં થઈ હતી, અને ત્યાંથી તે અન્ય જગ્યાએ પણ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ ઓલવવા માટે ચાર ફાયર ટેન્ડર્સને ઘટનાસ્થળ પર રવાના કરવામાં આવ્યા હતા અને આગ બુઝાવવામાં આવી હતી. કેટલાક દર્દીઓને હાલ બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, 20 દર્દી આઈસીયુમાં સારવાર લઈ રહ્યા હતા.
આગને કારણે સંપૂર્ણ ICU બળીને ખાક થઈ ગયું છે. સૂત્રોનું માનીએ તો, ઘાયલોની સ્થિતિ જોતા મૃત્યુઆંક વધવાની સંભાવના છે. તમામ મૃતકો વયોવૃદ્ધ હતા, અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યાં હતા અને મૃતકના પરિવારને રૂ.5 લાખની સહાયની જાહેરાત કરી હતી.