બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતની મુલાકાત લેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. આ અંગે ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિઓ જેવી સુધરશે એટલે બ્રિટિશ વડાપ્રધાન જોન્સન ભારત પ્રવાસનું આયોજન કરશે. અગાઉ તેઓ આ વર્ષે 26 જાન્યુઆરીની પરેડમાં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ કોરોનાના કારણે તેમણે ભારતનો પ્રવાસ રદ કર્યો હતો. હવે વડાપ્રધાન જોન્સન આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીની મુલાકાત લે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદીએ સ્કોટલેન્ડમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ સમિટમાં બોરિસ જોન્સન સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી. જેમાં બંને વચ્ચે રિન્યુએબલ એનર્જી, સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.