ભારતના રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી મુરલીધરને અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરની સાઇટની મુલાકાત લીધી હતી. અહીં પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, બીજા સ્વામીઓજી અને મંદિરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે તેમને આવકાર આપ્યો હતો. પ્રધાને જણાવ્યું હતું કે BAPS હિન્દુ મંદિર ભારતની સનાતન ધર્મની પ્રાચીન ફિલસૂફીનું પ્રતીક બનશે.
આ મુલાકાત દરમિયાન વી મુરલીધરને વિઝિટર્સ વ્યૂઇંગ ડેકમાંથી આ ભવ્ય મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ મંદિરના અંતિમ ડિઝાઇનમાં અદભૂત કોતરણી સાથે તૈયાર કરવામાં આવેલો માર્બલ સ્થંભ જમીનમાં ઊભો કરવાની કામગીરીના સાક્ષી બન્યાં હતા.
તેમણે ‘રીવર્સ ઓફ હાર્મની’ એક્ઝિબિશન પણ જોયું હતું. સર્જનાત્મક ગ્રાફિક્સ અને ડિજિટલ ડિસ્પ્લે સાથે આ એક્ઝિબિશનમાં BAPS હિન્દુ મંદિરના નિર્માણની મુખ્ય પ્રેરણા સમાન વૈશ્વિક, રાષ્ટ્રીય અને વ્યકિતગત સંવાદિતાનું નિદર્શન કરાયું હતું.
તેમણે મંદિર નિર્માણની સમયરેખા અને કમ્યુનિટી સર્વિસિસ અંગેના ખાસ વિડિયો પણ જોયા હતાં, જેમાં વિશ્વભરમાં આશરે 11,000 સ્વયંસેવકો દ્વારા BAPS સ્વામિનારાયણ સંસ્થા મારફત કરવામાં આવેલા કોવિડ-19 રાહત કાર્યોની ઝલક રજૂ કરાઈ હતી.
મુરલીધરને વધુમાં એવું પણ કહ્યું હતું કે “BAPS હિન્દુ મંદિર થકી ભારતની પ્રાચીન ફિલસૂફી વૈશ્વિક સંવાદિતા મારફત દરેક ધર્મ, રાજકીય અને રાષ્ટ્રીય ફિલસૂફીને એકરૂપ કરે છે. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા ઐતિહાસિક પ્રયાસો તમામ માટે આશીર્વાદ સમાન છે, હું સંસ્થાના તમામ લોકો અને સંતો, યુએઇના ક્રાઉન પ્રિન્સ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.”