અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં ફાર્મા કંપનીના ભારતીય મૂળના ટોચના એક્ઝિક્યુટિવ શ્રીરંગ અરવપલ્લીની લૂંટારાએ ગોળી મારીને હત્યા કરી હતી. લૂંટારુઓ એક કેસિનો ઘર સુધી તેમનો પીછો કર્યો હતો. હત્યાની ઘટના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, એમ શનિવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. 2014થી અરવપલ્લી ઓરેક્સ લેબોરેટરીઝના સીઇઓ હતા.
અમેરિકાના ન્યૂજર્સીના પ્લેન્સબોરા રહેતા 54 વર્ષના શ્રીરંગ અરવપલ્લી મોડી રાત્રે ઘરે આવતા હતા ત્યારે એક લૂંટારાએ 80 કિલોમીટર સુધી તેમનો પીછો કરીને આખરે લૂંટના પ્રયાસમાં ગોળી ધરબીને તેમની હત્યા કરી નાખી હતી. સત્તાવાળાના જણાવ્યા અનુસાર મંગળવારે ફિલાડેલ્ફિયાની બહાર આવેલા કેસિનોથી ઘર સુધી અરવપલ્લીનો ગનમેને પીછો કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે રાત્રે અરવપલ્લી ઘરે પહોંચ્યા તે વખતે જ લૂંટારો પણ પાછળના દરવાજેથી અંદર ઘૂસ્યો હતો. લૂંટનો પ્રયાસ કરતો હતો એ વખતે તેણે ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા પછી આરોપી નાસી ગયો હતો.
પરિવારજનોએ અરવપલ્લીને હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. આ સનસનીખેજ ઘટના પછી ન્યૂજર્સીમાં રહેતા ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે 27 વર્ષના આરોપી જેકાઈ રીડ જોનની ધરપકડ કરી લીધી હતી.
પોલીસના કહેવા પ્રમાણે આરોપી શ્રીરંગ અરવપલ્લીને ઓળખતો ન હતો, પરંતુ તેણે તેના બાહ્ય દેખાવ પરથી કારનો પીછો કર્યો હતો. આ ઘટના પછી રાજ્યના પોલીસ વડાએ દુ:ખ વ્યક્ત કરીને કહ્યું હતું કે આરોપી સામે સખ્તાઈથી પગલાં ભરાશે. આ ઘટના માત્ર ન્યૂજર્સી માટે નહીં, પણ આખા દેશ માટે આંખ ઉઘાડનારી છે.