EPFOના આશરે પાંચ કરોડ ખાતાધારકો માટે દિવાળી પહેલા ખુશખબર
કેન્દ્ર સરકારે 2020-21ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ માટે 8.5 ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે. સરકારની આ મંજૂરી એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના આશરે પાંચ કરોડ ખાતાધારકો માટે દિવાળી પહેલાના સારા સમાચાર છે. નાણા મંત્રાલયની મંજૂરીથી 2020-21 માટે ખાતાધારકોના એકાઉન્ટમાં જમા રકમ પર ટૂંકસમયમાં 8.5 ટકા વ્યાજ જમા કરવામાં આવશે.
આ વર્ષના માર્ચમાં શ્રમ પ્રધાનના વડપણ હેઠળની EPFOની સર્વોચ્ચ નિર્ણયકર્તા એજન્સી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)એ ગયા નાણાકીય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડની જમા રકમ પર 8.5 ટકા વ્યાજદરનો નિર્ણય કર્યો હતો.
સૂત્રે જણાવ્યું હતું કે 2020-21 માટે ઇપીએફ પરના વ્યાજદરને નાણા મંત્રાલયે મંજૂરી આપી છે અને હવે તે આશરે પાંચ કરોડ સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરવામાં આવશે. ગયા વર્ષના માર્ચ મહિનામાં EPFOએ 2019-20ના વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડની જમા રકમ પરના વ્યાજદરને ઘટાડીને 8.5 ટકા કર્યા હતા, જે સાત વર્ષના નીચા સ્તરે હતો. 2018-19માં આ આ રેટ્સ 8.65 ટકા હતા.
એમ્પ્લોઇડ પ્રોવિડન્ટ ફંડ (EPF)નો 2019-20ના આ વ્યાજદર 2012-13ના નાણાકીય વર્ષ પછીનો સૌથી નીચો હતો. તે સમયે વ્યાજદરને ઘટાડીને 8.5 ટકા કરવામાં આવ્યો હતો.2016-17 માટે EPFએ તેના સબસ્ક્રાઇબર્સને 8.65 ટકા વ્યાજ આપ્યું હતું, જે 2017-18માં 8.55 ટકા હતું. 2015-16માં ઇપીએફનો રેટ 8.8 ટકા હતો. EPFએ 2013-14 અને 2014-15માં વ્યાજદર 8.75 ટકા હતો. 2011-12માં EPFનો રેટ 8.25 ટકા હતો.