ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા હતા. યાત્રાના પ્રથમ દિવસે મોદીએ રોમમાં પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત પણ કરી હતી.
વડાપ્રધાન પિયાઝિયા ગાંધી ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી-મોદી’ના નારા સાથે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને આ લોકો સાથે વાતચીત પણ કરી હતી. રોમના રસ્તાઓ સંસ્કૃત શ્લોક અને ‘મોદી-મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા. કેટલાક ભારતીયોએ મોદીની મુલાકાત કરી અને સંસ્કૃતમાં શિવ તાંડવનું પણ ગાન કર્યું હતું. ભારત માતાની જયના નારા પણ લાગ્યા હતા.
વડાપ્રધાન મોદી 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની યાત્રા પર છે. 29થી 31 ઓક્ટોબર સુધી ઇટાલીમાં G-20 ગ્રૂપ ઓફ કન્ટ્રીઝ સમિટમાં ભાગ લેવા માટે રોમ (ઇટલી)માં હશે અને ત્યારબાદ 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP-26)માં વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ લેવા બ્રિટનના ગ્લાસગો જશે.
2020ની શરૂઆતમાં વૈશ્વિક મહામારી ફાટી નીકળ્યા પછી આ પ્રથમ રૂબરુ G20 સમિટ છે. વડાપ્રધાને આ પહેલા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે સંયુક્ત બેઠક કરી હતી.