કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ કરતી વખતે પાણીમાં ડૂબી જતાં વડોદરાના 23 વર્ષના રાહુલ મખીજાનામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. વડોદરાના વારસિયા વિસ્તારનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા ગયો હતો. તેનો અભ્યાસ પૂર્ણ થતા તે મિત્રો સાથે ફરવા ગયો હતો. તે દરમિયાન આ દુઃખદ ઘટના ઘટી છે. ઘટનાની જાણ થતાં વડોદરામાં માતા-પિતાએ ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા.
શહેરના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવતા સુનીલભાઈ માખીજાનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો. જ્યાં અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો 20 ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. આ દરમિયાન ઠંડા પાણીમાં ગરક થઈ જવાથી રાહુલનો મોત થયું હતું. જ્યારે આ દુઃખદ સમાચાર વડોદાર પહોંચ્યા તો પરિવારમાં દિવાળીની ઉજાણી માતમમાં ફરવાઈ ગઈ હતી.