ચાન્સેલર ઋષિ સુનકે આજે પોતાનું ખૂબજ મહત્ત્વનું બજેટ રજૂ કરતાં કોવિડ પછીની એક વધુ સશક્ત ઈકોનોમીને વેગ આપવાનો વાયદો કરતાં જણાવ્યું હતું કે, બિઝનેસ ટેક્સીઝ ઉપર કાપ મુકાઈ રહ્યો છે, તો લેવલિંગ અપ ઉપર વધુ ઉદાર હાથે ખર્ચ કરવાની નેમ સાથે બ્રિટનમાં અર્થતંત્રનો વૃદ્ધિ દર વધુ રહેવાની ધારણા છે.
ચાન્સેલરે કહ્યું હતું કે, ખર્ચમાં કાપ મુકવા – કરકસરના પગલાંના બદલે પોતે અર્થતંત્રમાં વધુ મૂડીરોકાણ કરવાનો અભિગમ અપનાવી રહ્યા છે. આ સંસદના કાર્યકાળ દરમિયાન ડીપાર્ટમેન્ટલ ખર્ચમાં વાર્ષિક ધોરણે 3.8 ટકાના દરે વધારો કરવા સાથે સરકાર કુલ £150 બિલિયનનો વધારો કરશે. આ દર દેશમાં વર્તમાન સદીનો સૌથી વધુ ઝડપી દર બની રહેશે. એવી જ રીતે, રીસર્ચ અને ડેવલપમેન્ટ પાછળનો ખર્ચ વર્તમાન સંસદના કાર્યકાળના અંત સુધીમાં વધીને વાર્ષિક £20 બિલિયનનો થઈ જશે, જે 50 ટકાનો વધારો દર્શાવે છે. જીડીપીમાં તેનો કુલ હિસ્સો જર્મની, ફ્રાંસ તથા અમેરિકાની તુલનાએ વધારે થશે.
પબ્સ તથા વૈભવી (હાઈ સ્ટ્રીટ) રીટેઈલર્સને ફાયદાકારક દરખાસ્તમાં સુનકે જણાવ્યું હતું કે, તેમના માટેના બિઝનેસ ટેક્સના દરમાં આ વર્ષે 50 ટકા રાહત આપવામાં આવી રહી છે, જેનું નાણાકિય મૂલ્ય £1.7 બિલિયનનું રહેવાની ધારણા છે. એકંદરે બિઝનેસ ક્ષેત્રને કરવેરામાં સુધારાથી £7 બિલિયનનો ફાયદો થશે. પેટ્રોલ – ડીઝલ જેવા ઈંધણો ઉપરની ડ્યુટીના દર યથાવત રાખવામાં આવ્યા છે, જેથી વાહન માલિકોની મુશ્કેલીમાં વધારો થાય નહીં, તો ખાસ ગરીને ડ્રોટ ડ્રિંક્સ માટે એક ખાસ ઓછા દરની ડ્યુટી લાગું કરાશે.
સૌથી મોટી અને વધુમાં વધુ લોકોને અસર કરતી રાહતમાં ચાન્સેલરે કહ્યું હતું કે ફેમિલીઝને £2 બિલિયનનો લાભ યુનિવર્સલ ક્રેડિટ વધુ ઉદાર બનાવવાથી થશે. તેનો ટેપર રેટ દરેક પાઉન્ડ દીઠ હાલના 63 પેન્સથી ઘટાડીને 55 પેન્સ કરવામાં આવી રહ્યો છે. મિનિમમ વેજ પણ આવતા વર્ષે વધારીને £9.50 પ્રતિ કલાક કરાશે તેમજ પબ્લિક સેક્ટરના પગારો ફ્રીઝ કરાયેલા છે, તે હવે મુક્ત કરાશે, એટલે કે તેમના પગારોમાં વધારો કરાશે.
સુનકે એવો નિર્દેશ કર્યો હતો કે, પોતાના હરીફ દેશોની તુલનાએ યુકેની આર્થિક તંદુરસ્તી ઝડપથી સુધરી રહી છે. તેમણે કહ્યું હતું કે, “એ બાબતે કોઈ શંકા રહેવી જોઈએ નહીં કે, અમારી યોજના ધાર્યા પરિણામો આપી રહી છે.”
જો કે, નાણાં પ્રધાને એવું કબૂલ્યું હતું કે, બેંક ઓફ ઈંગ્લેન્ડના ટાર્ગેટ કરતાં ડબલ, ફૂગાવો ચાર ટકાના દરે રહેવાની ધારણા છે. સપ્લાય ચેઈનમાં જે અરાજકતા પ્રવર્તી રહી છે તે પણ સમાપ્ત થવામાં હજી કેટલાય મહિનાઓ લાગશે, જો કે, તેના કારણે વસ્તુઓની કિમતો ઉપર જે દબાણ ઉભું થયું છે, તે ઝડપથી દૂર થશે. કોવિડ મામલે પણ સુનકે કહ્યું હતું કે આપણે હજી આગામી મહિનાઓમાં વધુ મોટા પડકારોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. જો કે, આજના બજેટ સાથે કોવિડ પછીના નવા અર્થતંત્ર માટેના કાર્યનો આરંભ થઈ ગયો છે. બ્રિટિશ અર્થતંત્રને અગાઉ ડર હતો તેના કરતાં લાંબા ગાળાનું નુકશાન ઓછું જ થવાની ધારણા છે.
તેમણે એનએચએસ અને લાખ્ખો વર્કર્સ માટે અબજો પાઉન્ડની વધારાની ચૂકવણીઓની જોગવાઈને પણ સમર્થન આપ્યું હતું.
વિરોધ પક્ષ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર કોરોનાગ્રસ્ત થયા હોવાથી તેઓ આજની બજેટ પ્રસ્તુતીમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. વિરોધ પક્ષ વતી શેડો ચાન્સેલર રાચેલ રીવ્ઝે જવાબ આપ્યા હતા, તો પ્રાઈમ મિનિસ્ટરની પ્રશ્નોતરી વખતે શેડો બિઝનેસ સેક્રેટરી એડ મિલિબેન્ડ ઉપસ્થિત રહ્યા હતા.