ગુજરાતમાં પોલીસ કર્મચારીઓએ સોમવારથી ગ્રેડ-પે સહિત અન્ય માંગણીઓ કરીને સરકારી સામે આંદોલન ચાલુ કર્યું છે. પોલીસ આંદોલનને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનુ રાજકીય સમર્થન સાંપડતા ભાજપ સરકારમાં દોડધામ મચી છે. પોલીસ આંદોલનના સમર્થનમાં ધરણાં, દેખાવો ઉપરાંત ટ્રાફિક ચક્કાજામ થયો હતો, જેથી સચિવાલયમાં દિવસભરથી બેઠકોનો દોર જામ્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક પંડયાએ વિધાનસભા પ્રાંગણમાં ધરણાં કર્યા બાદ ગુજરાતમાં પોલીસ કર્મચારીના પરિવારો વિરોધ કરવા તૈયાર થયા છે. સોમવારે રાતથી ગાંધીનગરમાં પોલીસ પરિવારોએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું જેમાં આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસના નેતા-કાર્યકરો પણ જોડાયા હતાં. પોલીસને આંદોલન ન કરવા આદેશ છૂટયો હોવા છતાંય રાજકીય સમર્થન સાંપડતાં સરકારની મૂંઝવણ વધી હતી.
ગાંધીનગર ઉપરાંત પાટણમાં પોલીસ પરિવારોએ ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ઉપનેતા શૈલેષ પરમારે મુખ્યપ્રધાનને પત્ર લખી એવી રજૂઆત કરી હતી કે, પોલીસના ભથ્થામાં વધારો કરવો જોઇએ. પોલીસની ફરજ માટે કલાકો નિર્ધારિત કરવા જોઇએ. પોલીસ યુનિયન બનાવવાનો અધિકાર આપવો જોઇએ. પોલીસમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી જોઇએ