ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ નવા પ્રમુખની વરણી માટે પ્રક્રિયા ચાલુ કરી છે. હાલમાં હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી વડા છે અને કાયમી વડાની નિમણુક માટે ગુજરાતના નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે વિચારવિમાર્શ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વન ટુ વન બેઠક પણ કરી હતી. જેમાં તેમણે નવા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભાના નેતા વિપક્ષની પસંદગી અંગે અભિપ્રાય માગ્યા હતા. ગુજરાત કોંગ્રેસના આ મહત્વના પદો માટે નામની જાહેરાત દિવાળી પહેલા થવાની સંભાવના છે, તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાહુલ ગાંધી સાથેની આ બેઠકમાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ અને ગુજરાત કોંગ્રેસના ઈનચાર્જ પ્રભારી રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે કેવા પગલાં ભરવા જોઈએ તે અંગેના મંતવ્યો પણ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથેની વન ટુ વન બેઠકમાં જાણ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના નેતા વિપક્ષના પદ માટે ગુજરાત કોંગ્રેસના ડઝનથી વધુ નેતાઓએ દિલ્હીમાં લોબિઈંગ કર્યું છે.