બ્રિટનની પોલીસે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ડેવિડ અમેસની હત્યાના કેસમાં 25 વર્ષના એક વ્યક્તિ સામે હત્યા અને ત્રાસવાદી પ્રવૃત્તિની તૈયારી કરવાના આરોપ મૂક્યા છે. સાંસદની ગયા સપ્તાહે ચર્ચ હોલમાં ચાકુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે સોમાલી મૂળના 25 વર્ષીય બ્રિટિશ વ્યક્તિ અલી હર્બી અલી સામે આ આરોપ ઘડવામાં આવ્યા છે. પોતાના નેતાઓ સાથે રૂબરુ સંપર્કથી ટેવાયેલા બ્રિટનના લોકોને આ હત્યાથી આઘાત લાગ્યો હતો.
ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસના નિક પ્રિન્સે જણાવ્યું હતું કે “અમે કોર્ટમાં રજૂઆત કરીશું કે આ હત્યાનું ત્રાસવાદી કનેક્શન છે. તેમાં ધાર્મિક અને વૈચારિક બંને ઇરાદા જોડાયેલા છે. આ વ્યક્તિ સામે ત્રાસવાદી કૃત્યની તૈયારીનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.” સ્પેશ્યલાઇઝ્ડ ઓપરેશન્સના મેટ્રોપોલિટન પોલીસ આસિસ્ટન્ટ મેટ જ્યુક્સે જણાવ્યું હતું કે તેઓ આ કેસને મજબૂત બનાવવાની કામગીરી ચાલુ રાખશે.
આશરે 40 વર્ષ સુધી સાંસદ રહેલા અને 2015માં ક્વીન એલિઝાબેથ-2ના નાઇટ એવોર્ડથી સન્માનિત અમેસની હત્યાથી બ્રિટનના રાજકીય નેતાઓને આઘાત લાગ્યો હતો. આ ઘટનાથી ઉચ્ચ સ્તરે એવી ચર્ચા થઈ હતી કે દેશ તેના નેતાઓનું કેવી રીતે રક્ષણ કરે છે અને કટ્ટરવાદનો સામનો કરે છે.
પાંચ વર્ષ પહેલા લેબર પાર્ટીના સાંસદ જો કોક્સની પણ કટ્ટરવાદીઓ ગોળી મારીને હત્યા કરી હતી. આશરે 30 વર્ષ પહેલા નોર્ધન આર્યલેન્ડમાં વ્યાપક હિંસાનો અંત લાવતી શાંતિ સમજૂતી પછી કોક્સ એવા પ્રથમ બ્રિટિશ સાંસદ હતા કે જેમની હત્યા થઈ હતી.
69 વર્ષના અમેસ સોસિયલ કન્ઝર્વેટિવ હતા. તેઓ ગર્ભપાતનો વિરોધ કરતા હતા અને એનિમલ રાઇટ્સ માટે કામગીરી કરતા હતા. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના એક્ઝિટના તેઓ હિમાયતી હતી.