ક્રૂઝ-ડ્રગ્સ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને બુધવારે પણ મુંબઈની કોર્ટમાંથી જામીન મળ્યા ન હતા. ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ થઈ હતી. આ કેસમાં આરોપી નંબર-1 આર્યન ખાન 8 ઓક્ટોબરથી મુંબઈની આર્થર રોડ જેલમાં છે અને મુંબઈ કોર્ટે જામીનનો ઇનકાર કરતાં હવે તે જેલમાં જ રહશે. 23 વર્ષીય આર્યનના વકીલે જણાવ્યું હતું કે તેઓ જામીન માટે બોમ્બે હાઇ કોર્ટમાં જશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ને આર્યનની જે ચેટ મળી છે એમાં તે એક એક્ટ્રેસ સાથે ડ્રગ્સ અંગે વાત કરે છે. આ ચેટ પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ એક્ટ્રેસ ક્રૂઝ પર હતી અને NCBએ તેને જવા દીધી હતી. આગામી સમયમાં આ એક્ટ્રેસની NCB પૂછપરછ કરી શકે છે.
આ એક્ટ્રેસ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યુ કરવાની છે. આ ઉપરાંત કેટલાક ડ્રગ- પેડલર્સ સાથેની આર્યનની ચેટ પણ જામીન પહેલાં કોર્ટને આપવામાં આવી છે.
આર્યન ખાનને 7 ઓક્ટોબરના રોજ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 8 ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મજબૂતાઈથી આર્યનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આર્યનના વકીલોએ દલીલ કરી હતી કે તેની પાસેથી કોઈ પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો નથી અને તે પુરાવા સાથે છેડાછાડ નહીં કરે. જોકે, સ્પેશિયલ NDPS કોર્ટે જામીન નામંજૂર કર્યા છે એટલે હજી પણ આર્યનને આર્થર રોડ જેલમાં રહેવું પડશે. આર્યન ખાનની સાથે મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટના જામીન પણ નામંજૂર થયા છે.