ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતનના સાધ્વી અને ડિવાઇન શક્તિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સાધ્વી ભગવતી સરસ્વતીજીનું અમેરિકાના પ્રેસિડન્ટના લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સના આંતરરાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ સેવા આપતા ડો. સાધ્વીજી (PhD)નું સ્વૈચ્છિક સેવાઓ માટે આજીવન પ્રતિબદ્ધતા બદલ આ બહુમાન થયું છે. આ લાઇફ ટાઇમ એચીવમેન્ચ એવોર્ડ અમેરિકો્પ્સ અને અમેરિકાના પ્રેસિડન્ટ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. સાધ્વીજીને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા આ એવોર્ડનું પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
સાધ્વીજી સ્ટેન્ડર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ પીએચડીનો અભ્યાસ ચાલુ હતો ત્યારે આશરે 25 વર્ષ પહેલા ભારત આવ્યા હતા. તેઓ છેલ્લાં 25 વર્ષથી બાળકો, મહિલા, કુદરતી આપત્તિના પીડિતો, મા ગંગા અને તમામ જળાશયો, પર્યાવરણ તથા ધર્મ, રંગ,પંથ અને જાતના તમામ લોકોની નિસ્વાર્થ સેવા કરી રહ્યાં છે.
સાધ્વીજી પરમાર્થ નિકેતનના પ્રેસિડન્ટ અને સંખ્યાબંધ ચેરિટેબલ ફાઉન્ડેશન્સના સ્થાપક પરમ પૂજ્ય સ્વામી ચિંદાનંદ સરસ્વતીના શિષ્યા છે. ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સના આંતરરાષ્ટ્રીય મહામંત્રી અને ડિવાઇન શક્તિ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ તરીકેની સાધ્વી ભગવતીજીની કામગીરી પણ શ્રેષ્ઠ સેવાના બે ઉદાહરણ છે. સાધ્વીજી હિમાયલની ગોદમાં આવેલા ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતનથી વિશ્વભરમાં સ્વૈચ્છિક સેવા કાર્યો કરે છે.
પ્રેસિડન્ટના વોલંટીયર સર્વિસ એવોર્ડમાં જીવનભરમાં સેવાકાર્યના નિર્ધારિત ધોરણો હાંસલ કરતા વ્યક્તિઓ, પરિવારો અને ગ્રૂપોનું સન્માન કરવામાં આવી છે.
સાધ્વીજીના બેસ્ટસેલિંગ સંસ્મરણ હોલિવૂડ ટુ હિમાયલા પુસ્તકને કેલિફોર્નિયા સ્થિત ઇનસાઇટ એડિશન્સ દ્વારા ઓગસ્ટમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.