યુકેમાં કોરોના કેસોમાં ઉછાળાને પગલે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના ભૂતપૂર્વ કમિશનર સ્કોટ ગોટલીબે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અર્જન્ટ રિસર્ચનો અનુરોધ કર્યો છે.
ગોટલીબે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ડેલ્ટા પ્લસ વધુ ટ્રાન્સમિસિબલ છે કે નહીં અને વેક્સિન સામે આંશિક પ્રતિકાર ક્ષમતા ધરાવે છે કે નહી તેનું આપણે તાકીદે રિસર્ચ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે તે વધુ ટ્રાન્સમિસિબલ હોય તેવા કોઇ સ્પષ્ટ સંકેત નથી, પરંતુ આપણે આ વેરિયન્ટ અને બીજા નવા વેરિયન્ટ અંગે ઝડપથી કામ કરવાની જરૂર છે. આપણે પાસે પૂરતા સાધનો છે.
બ્લૂમબર્ગ કોરોનાવાઇરસ ટ્રેકરમાં જણાવ્યા મુજબ બ્રિટનમાં છેલ્લાં છ સપ્તાહથી સાપ્તાહિક મોતની સંખ્યા સરેરાશ 800 રહી છે, જે પશ્ચિમ યુરોપના બીજા મુખ્ય દેશો કરતાં વધુ છે. યુકેના સંશોધકોએ જૂનમાં જણાવ્યું હતું કે એડિશનલ મ્યુટેશન વધુ ચિંતાજનક છે તેવું સૂચવતા કોઇ પુરાવા નથી. આ મહિનાના પ્રારંભમાં બહાર આવેલા જર્મની સંશોધન મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બંને મૂળ કોરોના વાઇરસ કરતાં વધુ પ્રમાણમાં લંગ સેલને અસર કરે છે, પરંતુ ડેલ્ટા પ્લસ ડેલ્ટા કરતાં વધુ જોખમ હોય તેમ લાગતું નથી.