કોરોના વેક્સિનને વહેલાસર મંજૂરી આપીને મોટાપાયે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલુ કરવા બદલ બ્રિટન સરકારે દુનિભરમાં વાહવાહી મેળવી હતી. જોકે યુરોપના બીજા દેશોની સરખામણીમાં કોરોના સંક્રમણનો દર ઊંચો છે અને તેનાથી સરકાર સામે નવેસરથી સવાલો ઉઠી રહ્યાં છે.
સતત બે સપ્તાહ માટે બ્રિટનમાં દૈનિક નવા કેસો 35,000થી 40,000ની વચ્ચે રહ્યાં છે. સોમવારે દૈનિક નવા કેસો 50,000ની નજીક પહોંચ્યા હતા, જે ડેલ્ટા વેરિયન્ટના ફેલાવા દરમિયાન જુલાઇના સૌથી વધુ કેસ પછી સૌથી વધુ છે. સમર પછી દૈનિક મોતની સંખ્યા પણ ઘણીવાર 100ને વટાવી ગઈ છે. દેશનો કુલ મૃત્યુઆંક 138,000 થયો છે, જે યુરોપમાં રશિયા પછી બીજા ક્રમે છે.
યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના પ્રોફેસર (સ્ટ્રક્ચર બાયોલોજી) જિમ નૈસ્મિથે જણાવ્યું હતું કે દુઃખની વાત એ છે કે યુકેમાં હાલમાં બીજા મોટાભાગના સમકક્ષ દેશોની સરખામણીમાં કોવિડ19નું લેવલ ઊંચું છે. માત્ર પોઝિટિવ કેસના સંદર્ભમાં જ નહીં, પરંતુ હોસ્પિટલમાં એડમિશન અને મૃત્યુના કિસ્સામાં પણ આવું છે.
હાલમાં ફ્રાન્સમાં દરરોજના આશરે 4,000 કેસ નોંધાઈ રહ્યાં છે, જ્યારે જર્મનીમાં આ સંખ્યા 10,000 છે. આ દેશમાં દૈનિક મૃત્યુની સંખ્યા અનુક્રમે 30 અને 60 છે.
નિષ્ણાતોએ કોરોના કેસોની ઊંચી સંખ્યા અંગે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેસોમાં વધારાથી સરકાર સંચાલિત નેશનલ હેલ્થ સર્વિસ પર વધુ બોજ પડશે. ઓટમ અને વિન્ટર દરમિયાન આરોગ્ય સેવા પર સામાન્ય રીતે વધુ દબાણ હોય છે. વડાપ્રધાન બોરિસ જોન્સનને પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે આગામી મહિનાઓ પડકારજનક હશે.