અમેરિકાના વોર હીરો અને પ્રથમ બ્લેક વિદેશ પ્રધાન કોલિન પોવેલનું કોરોનાથી ઊભા થયેલા કોમ્પ્લિકેશન્સને પગલે અવસાન થયું છે. તેમની ઉંમર 84 વર્ષની હતી. પોવેલના પરિવારે સોમવારે સોસિયલ મીડિયામાં પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે ઉત્કૃષ્ટ અને એક પ્રેમાળ પતિ, પિતા, દાદા અને અમેરિકન ગુમાવ્યા છે.” નિવેદનમાં જણાવાયું હતું કે પોવેલ ફુલ્લી વેક્સિનેટેડ હતા.
નિવૃત ફોર સ્ટાર જનરલ અને જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ભૂતપૂર્વ ચેરમેન પોવેલે એક આદરણીય વ્યક્તિ તરીકે ખ્યાતિ મેળવી હતી. 1991ના ગલ્ફ વોર પહેલા તેઓ એટલા સન્માનનીય હતા કે તેમની ગણતરી અમેરિકાના ભાવિ પ્રેસિડન્ટ તરીકે થતી હતી, જોકે તેઓએ ક્યારેય વ્હાઇટ હાઉસની રેસમાં ઝુકાવ્યું નહોતું.
પોવેલના નોમિનેશનની જાહેરાત કરતી વખતે જ્યોર્જ ડબલ્યુ બુશે જણાવ્યું હતું કે “જનરલ પોવેલ અમેરિકાના હીરો, અમેરિકાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અને ગ્રેટ અમેરિકન છે.” પોવેલ 2000માં એ રીપબ્લિકન પ્રેસિડન્ટના વિદેશ પ્રધાન બન્યાં હતા. પોવેલના પિતા જમૈકાથી અમેરિકા આવ્યા હતા. પોવેલનો જન્મ 5 એપ્રિલ 1937માં હાર્લેમ ખાતે થયો હતો.
જોકે 2003માં ઇરાકમાં યુદ્ધની જરૂરિયાત અંગે દલીલો કર્યા બાદ તેમની છબી ખરડાઈ હતી. તેમણે ફેબ્રુઆરી 2002માં યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલમાં સંબોધન કરતાં ઇરાકમાં સામુહિક સંહારના શસ્ત્રો હોવાનો દાવો કર્યો હતો, જે પછીથી ખોટો સાબિત થયો હતો.