કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની પુનઃવિચારણા કરવાની માગણી કરી છે. આ બંને પડોશી દેશો વચ્ચે ટી-20 વર્લ્ડ કેપની મેચ દુબઇમાં 24 ઓક્ટોબરે યોજાશે.
ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ થવી જોઈએ. તેના પર ફરી વિચાર કરવાની જરૂર છે. પાકિસ્તાનનો આતંકી ચહેરો દુનિયા સમક્ષ આવી ચુકયો છે. જેનુ પરિણામ પાકિસ્તાને ભોગવવુ પડશે.
ગિરિરાજ સિંહ જોધપુરમાં એક શોકસભામાં સામેલ થયા હતા અને તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ઉપરોકત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓને જોતા આગામી દિવસોમાં રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ પર ફરી વિચાર કરવાની જરૂર છે.તેમણે કોંગ્રેસને નિશાના પર લેતા કહ્યું હતું કે, રાજસ્થાનમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને હિન્દુઓને કાશ્મીરમાં ટાર્ગેટ કરાઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ લખીમપુરમાં રાજનીતિ કરી રહી છે.
કાશ્મીરમાં આતંકી હુમલામાં મોતને ભેટનાર પાણીપુરી વેચતા બિહારી યુવકના પિતાએ પણ માંગણી કરી છે કે, ભારત પાક વચ્ચેની મેચ રદ કરવામાં આવે. પંજાબ સરકારના એક પ્રધાને પણ કહ્યું છે કે, બોર્ડર પર તનાવ છે, ભારતના નવ સૈનિકો શહીદ થયા છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની જરૂર નથી.
જમ્મુ કાશ્મીરમાં ચાલુ મહિને બિનકાશ્મીરી લોકોને નિશાન બનાવીને તેમને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓમાં મોટો વધારો થયો છે. ત્રાસવાદીઓએ રવિવારે સતત બીજા દિવસે વધુ બે બિહારી મજૂરોને ગોળી મારીને ઘાતકી હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. આ હુમલામાં બીજા એક મજૂરને ઇજા પણ થઈ હતી. આ મહિને નિશાન બનાવીને કુલ 11 નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા થઈ છે, જેમાંથી પાંચ નોન-લોકલ મજૂરો છે.