બ્રિટનના ઍસેક્સમાં ચાકુ વડે હુમલો થયા બાદ કન્ઝર્વૅટિવ સાંસદ સર ડેવિડ અમેસનું મૃત્યું થયું છે.પોલીસનું જણાવ્યું હતું કે તેમણે લે-ઑન-સીના એક ચર્ચમાં ઘટેલી આ ઘટનામાં એક સંદિગ્ધની ધરપકડ કરી છે.વડાપ્રધાન બોરિસ જોન્સને આ ઘટના અંગે આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સાંસદોની સુરક્ષા વ્યવસ્થાની તાકીદની અસરથી સમીક્ષા કરવાનો તમામ પોલીસ દળને આદેશ આપ્યો હતો. સર ડેવિડ 1983થી સાંસદ હતા. તેમને પાંચ બાળકો છે.
પોલીસને આ સંદિગ્ધ શખ્સ પાસેથી ચાકુ મળી આવ્યું છે. પોલીસ આ મામલે વધુ કોઈ શખ્સને ખોળી નથી રહી. સ્થાનિક સમય મુજબ 12 વાગ્યા અને પાંચ મિનિટે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.ઘટનાસ્થળે જ ઍમ્બુલન્સમાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને તેમનું મૃત્યુ થયું હતું.
69 વર્ષીય સાંસદના મૃત્યુ બાદ બ્રિટનની સંસદ તથા આસપાસ રાષ્ટ્રધ્વજને અરધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે. આરોગ્યપ્રધાન સાજિદ જાવિદે તેમને, “મહાન વ્યક્તિ, મહાન મિત્ર તથા મહાન સાંસદ, જે પોતાની લોકશાહી ફરજ બજાવતા મૃત્યુ પામી” એમ કહીને અંજલિ આપી છે.
ગત પાંચ વર્ષમાં બીજા સાંસદની તેમના કાર્યકાળ દરમિયાન હત્યા કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2016માં મજૂરપક્ષનાં સાંસદ જો કૉક્સની હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પોતાના મતવિસ્તારમાં નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.