ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ થોડા સમયમાં શરૂ થવાનો છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ટીમે એક એવી હરકત કરી છે, જે વિવાદાસ્પદ જણાય છે અને પાકિસ્તાની ટીમને તે મોંઘી પડે તેવી પણ શક્યતા છે. મૂળભૂત રીતે આ વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો હતો, પણ કોરોના વાઈરસના રોગચાળાના કારણે તે યુએઈ અને ઓમાનમાં રમાશે. આઈસીસીના નિયમો મુજબ આ મુદ્દે આગામી દિવસોમાં ભારે ઉહાપોહ થવાની શક્યતા છે. આ વર્લ્ડ કપનું યજમાન ટેકનિકલ રીતે ભારત છે. તેમછતાં પાકિસ્તાને જર્સીના લોગો પર ભારતની જગ્યાએ યુએઈનુ નામ દર્શાવ્યુ છે.
આવી જર્સી સાથે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયામાં મુકાઈ હતી.
આઈસીસીના નિયમો પ્રમાણે દરેક ટીમે પોતાની જર્સી પર જમણી તરફ ટુર્નામેન્ટનો લોગો અને યજમાન દેશનુ નામ લખવુ અનિવાર્ય છે. તે પ્રમાણે જર્સી પર ભારતનુ નામ હોવું જોઈતુ હતુ, તેની જગ્યાએ પાકિસ્તાને યુએઈનુ નામ લખ્યુ છે.જોકે પાકિસ્તાને સત્તાવાર રીતે હજી જર્સી રજૂ નથી કરી પણ એ જ જર્સી રજૂ કરશે તો તેની સામે આઈસીસી દ્વારા કાર્યવાહી થઈ શકે છે.