પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ ટી-20 વિશ્વ કપ પહેલાના એક નિવેદનમાં કહ્યું છે કે, આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવે તો પ્રોત્સાહન માટે ખેલાડીઓને એક બિઝનેસમેન બ્લેન્ક ચેક આપવા તૈયાર છે.
રાજાએ કહ્યુ હતુ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલમાં નાણાકીય ભીંસમાં છે. પીસીબી નાણાંકીય રીતે 50 ટકા આઈસીસી ફંડિંગ પર નિર્ભર છે અને આઈસીસીનું 90 ટકા ફંડ ભારતથી આવે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત જ ચલાવે છે તેવુ કહીએ તો પણ ખોટુ નથી. રાજાએ કહ્યુ હતુ કે, આપણી આર્થિક સ્થિતિ સધ્ધર હોત તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો આપણા તરફ ‘યુઝ એન્ડ થ્રો’ જેવો અભિગમ ધરાવતી ના હોત. બેસ્ટ ટીમ અને બેસ્ટ ક્રિકેટ ઈકોનોમી બે અલગ વસ્તુ છે. પાકિસ્તાને પણ ક્રિકેટમાં આર્થિક રીતે પાવરફુલ બનવું જરૂરી છે.
રમીઝે આઈસીસીને એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સરખાવી કહ્યું હતું કે, આઇસીસી ટુર્નામેન્ટ્સનું આયોજન કરે છે અને તેમાંથી થતી આવક સભ્ય દેશોમા વહેંચી દે છે. આપણે તો તેમાં કશો જ ફાળો આપતાં નથી. આઇસીસીની ૯૦ ટકા આવક ભારતીય માર્કેટની છે. રમીઝ રાજાએ એમ પણ કહ્યું હતું કે, આઇસીસીમાં ભારત સામે તો ઓસ્ટ્રેલિયા પણ ઉભું રહી શકતું નથી.