ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન પ્રમુખ નરેન્દ્ર બત્રાએ જણાવ્યું હતું કે તેઓ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથે ૨૦૩૬ની ઓલિમ્પિક્સની યજમાનપદ માટે વાતચીત કરી રહ્યા છે. ભારત યજમાનપદ માટે તેની બીડ મૂકશે ત્યારે કેન્દ્ર સ્થાને અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ હશે. હવે નવનિર્મિત સ્ટેડિયમનું નામકરણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે ત્યારે આ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઓલિમ્પિક્સનો ઉદઘાટન સમારંભ યોજી શકાય. ભારતમાં ઓલિમ્પિક્સના ઉદઘાટન અને ટ્રેક એન્ડ ફિલ્ડના મુખ્ય ઈવેન્ટ્સ માટેના સ્ટેડિયમ તરીકે આ સંકુલથી વધુ સારું કોઈ સ્ટેડિયમ નથી તેમ બત્રાએ જણાવ્યું હતું.
અમદાવાદ ઉપરાંત ભારતના ચાર કે પાંચ શહેરોમાં ઓલિમ્પિક્સ આયોજન થઈ શકે છે.આગામી ડિસેમ્બરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીના નવા પ્રમુખ ચૂંટાશે તે પછી આ પ્રક્રિયાનો પ્રારંભ થશે. છથી સાત દેશો ૨૦૩૬ની ઓલિમ્પિક્સ યોજવાનો દાવો કરે તેવી ધારણા છે. તેમાં ભારત પણ એક હશે. ભારતે તેના દાવા માટે ખૂબ જ પ્રભાવક પ્રઝન્ટેશન તૈયાર કરવું પડશે. આઈઓસીની નિયુક્ત ટીમ તમામ દાવેદારોની તૈયારીની ચકાસણી કરતી હોય છે.