વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમાજના ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણ માટે નિરંતર કામગીરી કરી રહી છે અને તે રીતે માનવ અધિકારોનું રક્ષણ કરી રહી છે, એમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)ના સ્થાપના દિને સંબોધન કરતાં શાહે છેલ્લાં 28 વર્ષમાં માનવ અધિકારો અંગે દેશના લોકોમાં જાગૃતિ ઊભી કરવા માટે માનવ અધિકાર પંચે કરેલા કાર્યની પ્રશંસા કરી હતી.
ગૃહપ્રધાને જણાવ્યું હતું કે 2014માં લાંબા સમય પછી પ્રથમવાર કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બની હતી અને આ પછીથી સરકાર ગરીબ અને વંચિત વર્ગો માટે કલ્યાણકારી નીતિઓ અપનાવી રહી છે. નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ 10 કરોડ પરિવારોને ટોઇલેટ મળ્યા છે. તેનાથી મહિલા, યુવતી અને બીજા લોકોના માનવહકોનું રક્ષણ થાય છે. ચાર કરોડ પરિવારોને વીજ જોડાણ આપવામાં આવ્યા છે, જે વૃદ્ધિ અને બાળકો માટે એકસમાન રીતે મદદરૂપ છે. દેશના 13 કરોડ પરિવારોને સ્વચ્છ કુકિંગ ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. તેનાથી મહિલાઓને વિવિધ રોગમાંથી રક્ષણ મળે છે.
શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગરીબો માટે બે કરોડ મકાનનું નિર્માણ કર્યું છે, જ્યારે પાંચ કરોડ કરતાં વધુ મકાનનું ટૂંકસમયમાં બાંધકામ થશે. સાત કરોડ લોકોને પ્રથમ વખત તેમના બેન્ક એકાઉન્ટમાં કેન્દ્ર સરકારની નાણાકીય સહાય આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશના દરેક કુટુંબમાં પીવાનું પાણી પૂરું પાડવા મહત્ત્વકાંક્ષી યોજના શરૂ કરી છે અને બે કરોડ લોકોને ટૂંકસમયમાં પાઇપ મારફત સ્વચ્છ જળ મળશે. તેથી તેમના પાયાના માનવીય હકોનું રક્ષણ થશે.
શાહે જણાવ્યું હતું કે NHRCએ તેની સ્થાપના પછીથી 20 લાખ કેસોનો નિકાલ કર્યો છે અને માનવ અધિકારોના ઉલ્લંઘનના કેસોમાં રૂા.205 કરોડનું વળતર આપ્યું છે, જે પ્રશંસનીય છે.માનવ અધિકાર સુરક્ષા ધારા હેઠળ 12 ઓક્ટોબર 1993માં NHRCની સ્થાપના થઈ હતી. તેનો હેતુ માનવઅધિકારોના રક્ષણ અને પ્રોત્સાહનનો છે.