રામાનંદ સાગરની 1986માં આવેલી લોકપ્રિય ટીવી સિરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવનારા પીઢ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારની રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 82 વર્ષના હતા. અરવિંદ ત્રિવેદી છેલ્લા થોડા સમયથી બીમાર હતા. મંગળવારે રાત્રે હાર્ટ અટેક અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલી આપતાં જણાવ્યું હતું કે ‘આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવી દીધા. તેઓ માત્ર અસાધારણ એક્ટર જ નહોતા, પરંતુ જનસેવા માટે તેમનામાં જુનૂન હતું. ‘રામાયણ’ ટીવી સિરિયલને કારણે તેમને ભારતની અનેક પેઢી યાદ કરશે. અભિનેતાના પરિવાર તથા ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ’. વડાપ્રધાન મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કારમાં દીપિકા ચિખલિયા, સુનીલ લહરી, સમીર રાજડા સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર કાંદિવલી સ્થિત સ્મશાન દહાણુકર વાડીમાં કરવામાં આવ્યા હતા.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું કરિયર 40 વર્ષ જેટલું લાંબુ રહ્યું છે. માત્ર ‘રામાયણ’ જ નહીં અરવિંદ ત્રિવેદીએ સીરિયલ ‘વિક્રમ વેતાળ’માં પણ દમદાર અભિનય કર્યો હતો. તેમણે ઘણી સામાજિક અને પૌરાણિક ફિલ્મોમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદીએ 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અરવિંદ ત્રિવેદીએ ‘સંતુ રંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવરબાઈનું મામેરું’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી છે. તેમણે ‘પરાયા ધન’,’આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
તેઓ 1991થી 1996 દરમિયાન ભાજપના સાંસદ પણ રહ્યા હતા. સાબરકાંઠા મતક્ષેત્રમાંથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ફિલ્મમેકર વિજય આનંદે સેન્સર બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ ત્રિવેદી 2002માં કાર્યકારી ચેરમેન બન્યા હતા.