ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગાંધીનગર મહાનગરપાલિકની જીત અંગે જણાવ્યું હતું કે, કોરોના ઉપરાંત સામાન્ય સ્થિતિમાં પણ લોકો સાથે ભાજપના કાર્યકર્તાઓએ સંપર્ક જાળવી રાખ્યો અને જનતાની નાની-મોટી તકલીફમાં તેની સાથે રહ્યા. જેના કારણે ગાંધીનગર સહિત ગુજરાતની બીજી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનમાં ગઈ વખતે ભાજપ પાસે 17 અને કોંગ્રેસ પાસે 15 બેઠકો હતી. જેની સામે આજે ભાજપ 41 બેઠકો જીતી છે, અને કોંગ્રેસને માત્ર બે બેઠક મળી છે.
ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા ન હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના શાણા મતદારો કયા પક્ષને મત આપવાથી જળવાશે તે સારી રીતે સમજે છે, અને તે રીતે જ મતદાન પણ કરે છે.
આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના પાટીલે કહ્યું હતું કે, જેઓ ખૂબ ગાજ્યા હતા, પરંતુ વરસ્યા નહીં તેમને એક જ સીટ મળી છે. પાટીલે આમ આદમી પાર્ટી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે તેમણે ગુજરાતની જે પણ ટિકિટ બુક કરાવી હોય તે રદ કરાવી દેવી જોઈએ, કારણકે ગુજરાતની પ્રજાએ તેમને રિજેક્ટ કર્યા છે. પાટીલે જણાવ્યું હતું કે ગાંધીનગરની ચૂંટણીનું ઐતિહાસિક પરિણામ સાબિત કરે છે કે ગુજરાતના મતદારો પીએમ મોદીમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને તેમણે વિકાસ માટે મત આપ્યો છે.